મહિલા કર્મચારીઓની જાતીય સતામણી માટે હાર્ટ સર્જન અમલ બોઝ મેડિકલ રજિસ્ટરમાંથી બરતરફ

Tuesday 01st September 2026 11:19 EDT
 
 

લંડનઃ બ્લેકપૂલના હાર્ટ સર્જન અમલ બોઝને બ્લેકપૂલ વિક્ટોરિયા હોસ્પિટલમાં તેના જ વિભાગની પાંચ મહિલા કર્મચારીઓની જાતીય સતામણી કરવા બદલ મેડિકલ રજિસ્ટરમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. કાર્ડિયોવાસ્ક્યુલર વિભાગના વડા અને સીનિયર કન્સલ્ટન્ટ 55 વર્ષીય અમલ બોઝે પોતાના પદનો ગેરલાભ ઉઠાવીને તેમના જુનિયર તરીકે કામ કરતી નાની વયની મહિલા કર્મચારીઓને શિકાર બનાવી હતી. જુન મહિનામાં ચાલેલા એક ખટલા બાદ પ્રેસ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા બોઝને પાંચ મહિલા કર્મચારીઓ પર 12 વખત જાતીય હુમલો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલે 31 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરીને નોંધ્યું હતું કે બોઝ જાહેર જનતાની સુરક્ષા માટે હજુ પણ મોટું જોખમ છે. ટ્રિબ્યુનલે તબીબી ક્ષેત્રની ગરિમા અને જાહેર વિશ્વાસ જાળવી રાખવા માટે બોઝનું નામ મેડિકલ રજિસ્ટરમાંથી તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો હતો.

આ ગુનાહિત કૃત્યોના કારણે અમલ બોઝે તબીબી કારકિર્દી ગુમાવી દીધી છે અને હાલમાં તેઓ એક પાર્સલ ડિલિવરી ડ્રાઇવર તરીકે કામ કરી રહ્યા છે. કોર્ટ દ્વારા તેમને 16 સપ્ટેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter