લંડનઃ મહિલા સાથી કર્મચારીને સતત પરેશાન કરવા માટે મૂળ કેરળના 26 વર્ષીય આશિષ જોસ પોલ પર યુકેમાંથી દેશનિકાલનું જોખમ તોળાઇ રહ્યું છે. વારંવારની ચેતવણી અને અટકાયતો પછી પણ તેણે મહિલા સાથી કર્મચારીનો પીછો કરવાનું ચાલુ રાખતાં તેને 12 મહિના માટે સસ્પેન્ડેડ 6 મહિનાની કેદ કરાઇ છે. જો તે આગામી એક વર્ષમાં અપરાધનું પુનરાવર્તન જારી રાખશે તો તેને તાત્કાલિક જેલમાં ધકેલી દેવાશે. મહિલાને પરેશાન ન કરવાની વારંવારની ચેતવણી છતાં તેણે મહિલાનો સંપર્ક કરવાના પ્રયાસો જારી રાખ્યા હતા. આશિષ એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી ખાતે માસ્ટર્સ ડિગ્રીમાં અભ્યાસ કરી રહ્યો હતો અને સાથે સાથે લંડન ઝૂ કાફે ખાતે કામ પણ કરતો હતો. અહીં જ તે આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો.