મહિલા દર્દી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે ન્યુરોસર્જન ચિરાગ પટેલ સસ્પેન્ડ

મહિલા દર્દીને નશાકારક પેઇનકિલર્સ પ્રિસ્ક્રાઇબ કરવાનો પણ આરોપ

Tuesday 26th May 2026 11:17 EDT
 
 

લંડનઃ એક મહિલા દર્દી સાથે જાતીય સંબંધો રાખવા અને કોઈપણ યોગ્ય રેકોર્ડ કે સલામતીના નિયમો વિના વારંવાર નશાકારક પેઇનકિલર્સ પ્રિસ્ક્રાઇબ કરવા બદલ કાર્ડિફની યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ન્યુરોસર્જન ચિરાગ પટેલને આઠ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડૉ. પટેલે દર્દી સાથેના સંબંધોની અને તેને આપત્તિજનક તસવીરો મોકલવાની વાત સ્વીકારી લીધી હતી. આ ઉપરાંત તેમણે દર્દીને ડાયઝેપામ અને ઓપિયોઇડ આધારિત દવાઓ સહિતની નિયંત્રિત ડ્રગ્સ પણ લખી આપી હતી.

ડૉ. પટેલે ફેબ્રુઆરી 2019માં આ મહિલા દર્દીની કરોડરજ્જુની ક્ષતિગ્રસ્ત ડિસ્કને દૂર કરવા માટે પ્રથમ સર્જરી કરી હતી. પ્રાથમિક સર્જરીના ટૂંક સમય બાદ જ ડૉક્ટર અને દર્દી વચ્ચે શારીરિક સંબંધો શરૂ થયા હતા અને તબીબી સારવાર ચાલુ હોવા છતાં પણ આગળ વધ્યા હતા. ડૉક્ટરે પાછળથી આ ઘટના અંગે ભારોભાર પસ્તાવો વ્યક્ત કર્યો હતો.

આ સંબંધોમાં 2023 દરમિયાન ખટાશ આવતાં સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. દર્દીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં કાર્ડિફ એન્ડ વેલ્સ યુનિવર્સિટી હેલ્થ બોર્ડને આ અંગે જાણ કરી હતી. બીજીતરફ ચિરાગ પટેલે આરોપ મૂક્યો હતો કે, દર્દીએ ભૂતકાળમાં તેમની પાસે પૈસાની માંગણી કરી હતી અને ધમકી આપી હતી. બચાવ પક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ સંબંધો ધમકી અને બ્લેકમેલિંગના પ્રભાવ હેઠળ બંધાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter