લંડનઃ પુરુષોની સરખામણીએ મહિલા વાહનચાલકો ડ્રાઈવિંગ કરતી વખતે વિચારમાં ખોવાઈ જાય છે અને પરિણામે તેમની યાદદાસ્ત પર પડદો પડી જવાની શક્યતા વધુ રહે છે. AAના સંશોધન સાતમાંથી એક કરતા વધુ વાહનચાલકે સ્વીકાર્યું હતું કે માર્ગ પર વાહન ચલાવતી વખતે તેમનું મગજ નિયમિતપણે શૂન્ય થઈ જાય છે.
AA દ્વારા ૨૭,૦૦૦થી વધુ મોટરચાલકોનો સર્વે કરવામાં આવ્યો હતો. તેના તારણો અનુસાર ૧૫ ટકા વાહનચાલકો મોટા ભાગે તેમના પ્રવાસની છેલ્લી મિનિટો યાદ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. AA દ્વારા કહેવાયું હતું કે આ આંકડાનો અર્થ એ થાય છે કે વાહનચાલકોએ વધુ એકાગ્રતા રાખવાની જરૂર છે.
સૌથી ખરાબ હાલત ૨૫થી ૩૪ વર્ષના વયજૂથની હતી, જેમાં આશરે ૨૫ ટકાએ તેમની યાદદાસ્ત શૂન્ય થઈ જતી હોવાનું સ્વીકાર્યું હતું. બીજી તરફ, ૬૫થી વધુ વયના માત્ર નવ ટકા ડ્રાઈવરોને આવી સમસ્યા નડતી હતી.


