લંડનઃ પતિને ગુમાવ્યા છતાં હિંમત નહીં હારનાર લેસ્ટરના સુનિતા અગરવાલની કોકા કોલાના કેમ્પેન માટે પસંદગી કરાઇ છે. વિગ્સટન અને લેસ્ટરમાં સ્ટોર્સ ધરાવતા સુનિતા આ કેમ્પેન માટે પસંદ કરાયાં છે જે અંતર્ગત કોર્નર શોપ્સ દ્વરા સ્થાનિક સમુદાયોમાં મહત્વની ભુમિકા ભજવતા લોકોને બિરદાવવામાં આવી રહ્યાં છે. એપ્રિલ 2020માં કોરોના મહામારીમાં પતિને ગુમાવ્યા બાદ સુનિતાએ તેમના સ્ટોર્સનું સંચાલન સંભાળી લીધું હતું. આમ તો સુનિતા તેમના પતિને બિઝનેસમાં થોડી ઘણી મદદ કરતાં હતાં પરંતુ તેમના નિધન બાદ સંપુર્ણ જવાબદારી તેમના માથા પર આવી ગઇ હતી. તેમણે આ કામ ઝડપથી શીખી લીધું હતું. તેમનો પુત્ર પણ બિઝનેસમાં મદદ કરી રહ્યો છે. સુનિતા અગરવાલે તેમના પતિના સખાવતી કાર્યને પણ યથાવત રાખ્યું છે. તેઓ સ્થાનિક સમુદાય, એનએચએસ હોસ્પિટલ માટે ફંડ રેઇઝિંગની કામગીરી પણ કરે છે.


