મહિલાઓના નીડર આદર્શ અને પરોપકારી ઝેરબાનુ ગિફોર્ડ

ધીરેન કટ્વા Monday 04th April 2016 10:40 EDT
 
 

લંડનઃ માનવ અધિકાર માટે અભિયાન ચલાવનાર, નીડર, પરોપકારી અને મહિલાઓના આદર્શ સમાન બ્રિટિશ રોલ મોડેલ મહિલા ઝેરબાનુ ગિફોર્ડનું ફરિદા માસ્ટર દ્વારા લિખિત જીવનચરિત્ર ‘An Uncensored Life’ હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત થયું હતું. આ પુસ્તકના વેચાણ દ્વારા થનારી આવક આશા ફાઉન્ડેશનના યુવાનોનું જીવનધોરણ સુધારવા માટે થશે.

ભારતમાં જન્મેલાં ઝેરબાનુ ચાર વર્ષની વયે લંડન આવ્યાં હતાં. તેમના ત્રીસીના દાયકાની શરૂઆતમાં તો તેઓ બ્રિટિશ જાહેર જીવનમાં એશિયાવાસીઓના અગ્રણી બની ગયાં હતાં. તેમણે ઘણી સમિતિનું અધ્યક્ષપદ સંભાળ્યું, રાજકીય નેતાઓને સલાહ આપી અને હેરો કાઉન્સિલમાં ચૂંટાઈને બ્રિટિશ સંસદમાં પ્રથમ એશિયન મહિલા સભ્ય બન્યાં હતાં. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વાસ્તવિક પરિવર્તન માટે કૃતનિશ્ચયી ઝેરબાનુએ ‘શેલ્ટર’ ચેરિટી માટે લંડનના ઓર્ગેનાઈઝર તરીકે ફરજ બજાવી હતી. તેઓ માનવ અધિકાર માટેની વિશ્વની સૌથી જૂની સંસ્થા ‘એન્ટિ-સ્લેવરી ઈન્ટરનેશનલ’ના ડિરેક્ટરપદે રહ્યાં હતાં. સરકાર સામે કાનૂની લડાઈ, રાજકીય ઉતારચઢાવ અને એક વખત મૃત્યુ નજીક પહોંચી ગયેલા નીડર મહિલા ઝેરબાનુની ગાથા જકડી રાખે તેવી છે. તેઓ સમાનતા અને વૈશ્વિક ન્યાયના ઉદ્દેશ સાથે સતત સંકળાયેલાં રહ્યાં હતાં.

તાતા ગ્રુપના ચેરમેન રતન તાતાએ જણાવ્યું હતું કે,‘આ સન્નારીના જીવનચરિત્રમાં આપણા સમયમાં થયેલા મહત્ત્વના પરિવર્તનો પ્રતિબિંબિત થાય છે તેમજ વિશ્વના યુવાનોમાં રોકાણ કરવાનું મહત્ત્વ પણ દર્શાવે છે.‘

કોબ્રા બીઅરના સ્થાપક અને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના ચાન્સેલર લોર્ડ કરણ બિલિમોરિયા CBE DLએ જણાવ્યું હતું કે, ‘ઝેરબાનુ એશિયન યુવા પેઢી માટે આદર્શરૂપ છે તેમાં કોઈ શંકા નથી. આ પ્રેરણા મને પણ મળી છે, જેના બદલ હું આભારી છું.’

નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા બિશપ ડેસમન્ડ ટુટુએ જણાવ્યું હતું કે, ‘ઝેરબાનુની શાંતિ, યુવા વર્ગ અને બહેતર વિશ્વના સર્જન તરફની પ્રતિબદ્ધતા તેમના ટ્રેક રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે. આધુનિક બ્રિટિશ રાજકારણમાં લિબરલ કાઉન્સિલર તરીકે ચૂંટાયેલાં પ્રથમ એશિયન મહિલા તરીકે તેમની દૃષ્ટિ વિશ્વમાં સાચું પરિવર્તન લાવવાના વૈકલ્પિક માર્ગો તરફ દોરી જાય છે. પડકારો પર ધ્યાન આપ્યાં સિવાય તેઓ એ માર્ગે ચાલ્યાં હતાં.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter