મહિલાઓની જાહેરમાં છેડતી માટે બે વર્ષની કેદની જોગવાઇ કરાશે

સરકાર 1986ના પબ્લિક ઓર્ડર એક્ટમાં સુધારો કરશે

Wednesday 17th August 2022 05:47 EDT
 

લંડન

મહિલાઓની જાહેરમાં છેડતી કરનારા પુરુષોને બે વર્ષની કેદ થઇ શકે છે, સરકાર દ્વારા વિચારણા હેઠળના નવા નિયમોમાં આ પ્રકારની જોગવાઇ થઇ શકે છે. હોમ ઓફિસે પબ્લિક સેક્સ્યુઅલ હેરેસમેન્ટ નામના નવા અપરાધની વ્યાખ્યા કરવા માટે 1986ના પબ્લિક ઓર્ડર એક્ટમાં સુધારો કરવા અભિપ્રાય મેળવવાનો પ્રારંભ કર્યો છે. મહિલાનો પીછો કરવો, અશ્લિલ ટિપ્પણી કરવી, ચેનચાળા કરવા અને કોઇ મહિલાને બદઇરાદાથી અટકાવવા જેવા અપરાધોને આ નિયમોમાં સામેલ કરવામાં આવી શકે છે. પ્રસ્તાવિત કાયદાના દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિને એકલી જોઇને જાહેરમાં તેની છેડતી કરવામાં આવતી હોય છે તેથી કાયદા પંચે હેટ ક્રાઇમ કાયદામાં વ્યક્તિના જેન્ડરનો સમાવેશ કર્યો નહોતો અને સરકાર તે માટે સહમત પણ થઇ હતી. 16થી 34 વર્ષની દર 10માંથી ચાર મહિલાઓ કેટકોલ્સ, સીટી મારવી, અવાંચ્છિત સેક્સ્યુઅલ ટિપ્પણી જેવી છેડતીનો ભોગ બનતી હોવાના આંકડા નેશનલ સ્ટેટિસ્ટિક્સ ફિસ દ્વારા જારી કરાયા બાદ સરકારે કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન પદની રેસમાં ઉતરેલા લિઝ ટ્રસે પણ મહિલાઓની છેડતીને અપરાધિક ગુનો બનાવવાનું વચન આપ્યું હતું. જો તેઓ વડાપ્રધાન બનશે તો નેશનલ ડોમેસ્ટિક એબ્યુઝ રજિસ્ટરનો પણ પ્રારંભ કરાવશે. તેમણે પોતાના પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મહિલાઓની હાઇપ્રોફાઇલ હત્યાઓએ દેશને ચોંકાવી દીધો છે. તેથી આ દિશામાં પગલાં લેવાની જવાબદારી તમામ રાજકીય નેતાઓની છે. મહિલાઓ વિરુદ્ધની હિંસા અટકાવી શકાય છે. મહિલાઓ કોઇપણ પ્રકારના ભય વિના સડક પર ફરી શકવી જોઇએ અને અપરાધીઓને સજા થવી જ જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter