મહિલાઓને જોઈ સિટી મારવી કે છેડતી કરવી ગેરકાયદે કરાશે

Wednesday 28th July 2021 07:21 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે મહિલાઓની છેડતીના વર્તમાન કાયદામાં રહેલી છટકબારીઓ પૂરી દેવાની નવી દરખાસ્તો મૂકી છે જેના હેઠળ માર્ગો કે શેરીઓમાં તેમની પજવણી કરવી, સિટીઓ મારવી અને તેમને વિવિધ નામોથી બોલાવવાનું ગેરકાનૂની બનશે. મહિલાઓ અને બાળાઓ વિરુદ્ધ હિંસાનો સામનો કરવાની રણનીતિના ભાગરુપે આ દરખાસ્તો તૈયાર કરાઈ છે.બીજી તરફ, વર્જિનિટી ટેસ્ટિંગ જેવી ઘૃણાસ્પદ રીતરસમને પણ પ્રતિબંધિત કરાશે.

સારાહ એવરાર્ડની હત્યાના પગલે ૧૮૦,૦૦૦ મહિલાઓ તેમના રોજિંદા જીવનમાં યૌનશોષણ અને હેરાનગતિના પોતાનાં અનુભવો જાહેર કરવા બહાર આવ્યાં પછી આ દરખાસ્તો ઘડાઈ છે. હોમ ઓફિસે જણાવ્યું છે કે વર્તમાન કાયદામાં ક્યાં છટકબારી છે અને જાહેર સેક્સ્યુઅલ પજવણીનો ચોક્કસ ગુનો કેવી રીતે તેનો અંત લાવી શકે તેની ઝીણવટથી ચકાસણી કરી રહી છે. જોકે, કાયદાઓને અમલી બનાવતા વર્ષો લાગી શકે તેવી ચેતવણી પણ અપાઈ છે.

જોકે, મહિલાઓ પોતાને ક્યાં અને શા માટે અસલામત અનુભવે છે તે વિસ્તારોની માહિતી આપી શકે તેવું નવું ઓનલાઈન સાધન ‘StreetSafe’ લોન્ચ કરવામાં આવ્યું છે. શેરીઓમાં વધુ સ્ટ્રીટ લાઈટિંગ, બાર્સ અને ક્લબ્સની બહાર યુનિફોર્મ વિનાના પોલીસ અને સીસીટીવી સાથે મહિલાઓનું સારી રીતે રક્ષણ કરવા લોકલ ઓથોરિટીઝને ૫ મિલિયન પાઉન્ડની ફાળવણી પણ કરાશે.

હોમ સેક્રેટરી પટેલે જણાવ્યું હતું કે,‘સમગ્ર દેશમાં સ્ત્રીઓ અને બાળાઓની સલામતી મારાં માટે પ્રાધાન્ય છે. સ્ત્રીઓ અને બાળાઓ સાથે હજુ પણ હેરાનગતિ, શોષણ અને હિંસા થાય છે તે જરા પણ સ્વીકાર્ય નથી. તેમની સાથે હિંસા થતી જ રહેશે તેવું વલણ હું ચલાવી લઈશ નહિ. આવું કરનારાઓ પર તૂટી પડવા પોલીસને વધુ સત્તાઓ આપવા હું મક્કમ છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter