લંડનઃ કેર હોમમાં નોકરી માટે ઇન્ટર્વ્યુ આપનાર 4 મહિલાઓને ફોન કરીને અશ્લિલ વાતો કરવા અને બળાત્કારની ધમકી આપનાર બોલ્ટનના કેર હોમ મેનેજર કિશન પટેલને 3 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. લીવરપૂલ ક્રાઉન કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઓકલી પાર્કનો રહેવાસી પટેલ નોકરી માટે અરજી કરનારી પીડિત મહિલાઓ દ્વારા અપાયેલા કોન્ટેક્ટ નંબરનો ઉપયોગ કરતો હતો. કિશન પટેલ તેના માતાપિતાની માલિકીની કંપની હાઇપોઇન્ટ કેરનું સંચાલન કરતો હતો. તે નંબર અને ઓળખ છૂપાવી આ મહિલાઓને કોલ કરતો, અશ્લિલ વાતો કરતો અને બળાત્કારની ધમકી પણ આપતો હતો. એકવાર તે તેનો નંબર છૂપાવવામાં નિષ્ફળ રહેતાં તેની ઓળખ છતી થઇ ગઇ હતી.
કિશન પટેલે અદાલતમાં તેના પર મૂકાયેલા 4 આરોપ કબૂલી લીધા હતા. અદાલતે તેને 3 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી. જજ અમિલ મરેએ જણાવ્યું હતું કે કિશન આ મહિલાઓ પ્રત્યે આકર્ષિત થયો હતો અને તેણે તેમની માહિતીના આધારે પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. તે પોતાની ઓળખ અને એક્સેન્ટ છૂપાવીને વાત કરતો હતો. તેણે વિશ્વાસઘાત કર્યો છે. તેણે આ મામલાની સંપુર્ણ જવાબદારી લેવી પડશે. તે એક સારા પરિવારમાંથી આવે છે અને સુશિક્ષિત છે. હવે તેને સમજ પડશે કે તેણે શું કર્યું છે.