મહિલા સુરક્ષા હંમેશા બેધારી તલવાર રહી છે. યુકેમાં પોલીસ દ્વારા કરાતા પીછામાં મહિલાનું મોત થાય કે ક્યારેય ન શોધી શકાતી લાપતા બનેલી સગીરાઓથી માંડીને સોશિયલ મીડિયા પર હેરાનગતિ, સાયબર એટેક હોય, મહિલા સુરક્ષા પરની ધમકીઓ હવે એક નવા યુગમાં પ્રવેશી ચૂકી છે. ફિઝિકલ વર્લ્ડમાં મહિલાની સુરક્ષા હંમેશા ચિંતાનો વિષય રહી છે પરંતુ હવે વેબસ્પેસમાં થઇ રહેલા સંશોધનોએ મહિલાઓ પર ઝળુંબતા ભયને વધુ આક્રમક બનાવ્યો છે. મહિલાઓ નવા જ પ્રકારના ક્રિમિનલ એટેક અને કાવતરાનો સામનો કરી રહી છે. હવે તેમના ડિજિટલ અવતાર પણ ગેંગરેપ અને માનસિક હેરાનગતિનો ભોગ બની રહ્યાં છે. માત્ર યુવતીઓ જ નહીં પરંતુ લાંબાગાળાથી સંપર્કમાં ન રહેલા મિત્રો સાથે પુનઃસંપર્ક સાધવા અને ડિજિટલ પેમેન્ટ અને ટૂલ્સ સાથે તાલ મિલાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી એકલવાયી અને ઉંમરલાયક મહિલાઓ પણ હેરાનગતિ, અપરાધ અને અસુરક્ષિત ઘટનાઓનો સામનો કરી રહી છે. અગાઉ મહિલાઓ જ્યારે કોઇ અપરાધનો ભોગ બનતી ત્યારે તેમના વ્યવહાર અને વિશેષ તેમના વેશપરિધાનને જવાબદાર ગણાવવામાં આવતાં. પરંતુ હવે મેટાવર્સ અને ડિજિટલ સતામણીએ આવો આરોપ મૂકનારા અને રૂઢિચુસ્તોના મોં બંધ કરી દીધાં છે. હવે વ્યક્તિના વર્ચ્યુઅલ અવતાર પરના સાયબર હુમલા કે ગેંગરેપ માટે જવાબદાર કારણો અંગે જાણતા નથી. સાયબર વર્લ્ડમાં હુમલાખોર માટે શરીર કે વસ્ત્રોને કોઇ લેવા દેવા જ હોતી નથી. આ એક ખરાબ માનસિકતા જ છે.
ફિઝિકલ એક્સરસાઇઝ ટ્રેક કરવા માટેની અમેરિકન ઇન્ટરનેટ સર્વિસ સ્ટ્રાવા દ્વારા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા 120 મિલિયન પ્લસ એથલેટ્સના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. 2023થી અત્યાર સુધીના પરિણામોને જોતાં દોડવીરો માટે ઘણા હકારાત્મક સમાચારો છે પરંતુ યુકેના દોડવીરો માટે એક આંકડો ખરેખર ચોંકાવનારો છે. વિશ્વમાં કસરત અને પ્રેકટિસ માટે સુરક્ષિત સ્થળોનો અભાવ હોવાનું માનનારી મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં 9 ટકા વધુ છે પરંતુ યુકેમાં આ આંકડો 160 ટકા પર પહોંચી જાય છે. મહિલાઓ પોતાને સુરક્ષિત માનતી નથી તેને સમાચારોમાં સ્થાન અપાતું નથી. ગયા વર્ષે એડિડાસ કેમ્પેનના સરવેમાં 92 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે, વ્યાયામ કરતી વખતે અમે સુરક્ષિત અનુભવતાં નથી. વિશ્વની સરખામણીએ યુકેમાં આ આંકડો ઘણો ઊંચો છે. આમ તો યુકેને ગ્લોબલ સ્કેલ પર સુરક્ષિત દેશ માનવામાં આવે છે. 2023માં યુકે ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં 163 દેશમાં 34મા સ્થાને રહ્યો હતો.
યુકેમાં મહિલાઓની સુરક્ષા માટે હજુ ઘણા બધા પગલાં લેવાની જરૂર છે. ઓછામાં ઓછું મોટી સંખ્યામાં મહિલાઓ પોતે સુરક્ષિત હોવાની અનુભૂતિ કરી શકે. મુસ્લિમ વીમેન્સ નેટવર્ક યુકેના સીઇઓ શાહિસ્તા ગોહીર ઓબીઇ એ એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારું માનવું છે કે ઘરેલુ હત્યાઓના મામલામાં અશ્વેત, એશિયન અને લઘુમતી સમુદાયોની મહિલાઓને વધુ પડતું પ્રતિનિધિત્વ અપાય છે. તેમના ચોક્કસ અનુભવો અને તે માટે જવાબદાર વધારાના અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સરકારનું ધ્યાન ખેંચવા માટે 22 જાન્યુઆરી સોમવારના રોજ હું હાઉસ ઓફ લોર્ડ્સમાં વંશીય લઘુમતી સમુદાયની મહિલાઓની ઘરેલુ હત્યાના દર પર સવાલો પૂછવાની છું. મુસ્લિમ વીમેન્સ નેટવર્ક યુકે સે હર નેમ નામના તેમની વેબસાઇટના પેજ દ્વારા વંશીય લઘુમતી મહિલાઓમાં ઘરેલુ હિંસાના દરને ઉજાગર કરે છે જેમાં ઘરેલુ હિંસાના અપરાધોમાં મારી ગયેલી પીડિતાઓના નામ પણ છે.
પાર્કની ડિઝાઇનમાં મહિલાઓને સામેલ કરો
મહિલાઓની ઓનલાઇન સુરક્ષા વધુ આકરા કાયદા અને તેના અમલ પર આધારિત છે ત્યારે ફિઝિકલ ગ્રાઉન્ડ પર કેટલાક વ્યવહારુ સમાધાન પણ છે. યુકેના પાર્કોમાં લિંગ અસમાનતા અને સુરક્ષાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા લીડ્સ યુનિવર્સિટી અને યોર્કશાયરના મેયર ટ્રેસી બ્રાબિન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં મહિલાઓને પાર્કની ડિઝાઇનમાં સામેલ કરવા ભલામણ કરાઇ છે. અભ્યાસના તારણો અનુસાર મહિલાઓ અને સગીરાઓ પાર્કમાં દરરોજ છેડતી અને સતામણીનો સામનો કરે છે. પાર્કમાં પ્રકાશ વધારી, લીલોતરીની ઊંચાઇ નીચી કરી અને બચાવ માટેના માર્ગો વિકસાવીને હેરાનગતિના જોખમ ઘટાડી શકાય. અભ્યાસમાં ભાગ લેનારી મહિલાઓ અને સગીરાઓએ પાર્કમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સાઉથ એશિયન સેલિબ્રિટીઓના ડીપફેક્સ
આધુનિક ટેકનોલોજીના યુગમાં ડીપફેક્સ અને એઆઇ જનરેટેડ કન્ટેન્ટ વ્યક્તિના વ્યક્તિત્વનું સ્થાન લઇ પ્રબળ સંભાવના અને ચિંતાઓ રજૂ કરે છે. આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા જેવી સાઉથ એશિયન સેલિબ્રિટીઓ ડીપફેક્સનો શિકાર બની ચૂકી છે. લંડનના મેયરને દર્શાવતા ડીપફેક્સ જેવા હાઇ પ્રોફાઇલ કેસ વિઝ્યુઅલ અને ઓડિયો ફોરમેટના સંભવિત ભયસ્થાનો ઉજાગર કરે છે. ડીપફેક્સ દ્વારા તૈયાર કરાયેલા રિવેન્જ પોર્નમાં વધારો પ્રાઇવસીની ચિંતાઓ ઉજાગર કરે છે. સેલિબ્રિટી તો ઝડપથી ફેક કન્ટેન્ટને રદિયો આપી શકે છે પરંતુ સામાન્ય વ્યક્તિ રિસોર્સ ન હોવાના કારણે ઇન્ટરનેટ પરથી આ પ્રકારનું કન્ટેન્ટ દૂર કરાવી શક્તી નથી. ડીપફેક્સના કારણે પ્રતિષ્ઠાને હાનિની સાથે સાથે વ્યક્તિને લાગણીશીલ નુકસાન પણ કરે છે. ડીપફેક્સ સંબંધિત રિવેન્જ પોર્નમાં વધારો થઇ રહ્યો છે ત્યારે પર્સનલ પ્રાઇવસીની સુરક્ષા વિશેષ કરીને રૂઢિચુસ્ત સાઉથ એશિયન સમુદાયોમાં મહત્વની બની રહે છે. યુકેમાં પુરુષની સરખામણીમાં મહિલાઓમાં સુરક્ષાની ચિંતા 160 ટકા વધુ છે ત્યારે ડીપફેક્સ ચેતવણીજનક ડિજિટલ ધમકીઓ બની રહે છે. બ્રિટિશ એશિયન મહિલાઓના સંદર્ભમાં જાગૃતિ, કાયદાકીય માળખા, જવાબદાર ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવો જોઇએ.
બ્રિટિશ કન્યા પર વર્ચ્યુઅલ હુમલો
યુકેમાં વર્ચ્યુઅલ રિઆલિટી હેડસેટ કન્યાએ એક ગેમમાં કેટલાક પુરુષો દ્વારા તેના એનિમેટેડ અવતાર પર જાતીય હુમલાનો અનુભવ કર્યો હતો. આ ઘટના વર્ચ્યુઅલ સ્પેસમાં મહિલા પર સેક્સ્યુઅલ એસોલ્ટની વિશ્વની પ્રથમ ઘટના છે. આ ઘટના વર્ચ્યુઅલ અપરાધો માટેના અપુરતા કાયદાઓને કારણે ચિંતા વધારે છે. યુકેના સત્તાવાળા તપાસ તો કરી રહ્યાં છે પરંતુ શારીરિક સંપર્કને જ સેક્સ્યુઅલ અપરાધ ગણતા કાયદાઓને કારણે અપરાધીઓ સામે કાર્યવાહીની સંભાવના મર્યાદિત બની જાય છે.
કાયદાકીય માળખાની તાતી જરૂર
બાળકો માટે મેટાવર્સ સુરક્ષિત બનાવવા માટે કામ કરતા સંગઠન રિસર્ચ કાબુનીના સહસ્થાપક અને ડિરેક્ટર નીના જેન પટેલે એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં સામેલ કન્યા ઘણી બહાદૂર કહી શકાય. આ ઘટનાની પોલીસને જાણ કરવી સરળ નહોતું. તેણે પોતાની બહાદૂરીનો પરિચય આપી દીધો છે. આપણે જાણતા નથી કે કન્યાના પગલાં કઇ દિશામાં દોરી જશે પરંતુ તે સાચી દિશામાં તો છે જ. કાયદાકીય રીતે આ એક જટિલ મામલો છે. પરંપરાગત કાયદા ફિઝિકલ સંબંધો પર આધારિત છે પરંતુ મેટાવર્સે આ સરહદોને ભૂંસી નાખી છે અને જ્યુરિડિક્સન અંગે પણ સવાલો સર્જ્યાં છે. મેટાવર્સને ધ્યાનમાં રાખીને કાયદાકીય માળખું તૈયાર કરવાની તાતી જરૂર છે. હવે વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ વ્યક્તિગત સુરક્ષા, સહમતિ અને પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને કાયદા સુનિશ્ચિત કરવા પડશે.
બાળકો અને યુવાઓને સંરક્ષણ
નીના પટેલ કહે છે કે મેટાવર્સમાં બાળકો અને યુવાઓને સંરક્ષણ મામલે ગંભીરતાથી વિચારણા કરવી પડશે. બાળકો અને યુવાઓ વિકાસના મહત્વના સ્તર પર છે ત્યારે તેઓ મેટાવર્સમાં થતા અનુભવોનો સહેલાઇથી ભોગ બની શકે છે. વર્ચ્યુઅલ દુનિયા યુવાઓમાં વાસ્તવિક અને વર્ચ્યુઅલ અનુભવો વચ્ચેનો તફાવત જ નાબૂદ કરી શકે છે. આ પ્રકારના અનુભવ તેમની માનસિક સ્થિતિ પર લાંબાગાળાની ગંભીર અસરો કરી શકે છે. તેથી મેટાવર્સમાં આચરાતા અપરાધો સામે કામ લેવા માટે ચોક્કસ પ્રકારના કાયદાઓની જરૂર છે.


