લંડનઃ લેસ્ટરના બહારના વિસ્તારમાં કાર ટકરાવીને બે વ્યક્તિની હત્યા માટે મહેક બુખારી અને તેની માતાને આજીવન કેદની સજા કરાઇ છે. મહેક બુખારીને લઘુત્તમ 31 વર્ષ અને તેની માતા અન્સરીન બુખારીને લઘુત્તમ 26 વર્ષ અને 9 મહિનાની કેદની સજા અપાઇ છે. મહેક બુખારી અને તેની માતાએ સાકિબ હુસેન અને મોહમ્મદ હાશિમને ટેસ્કો કાર પાર્કમાં બોલાવ્યા હતા અને ત્યાંથી કારમાં તેમનો પીછો કર્યો હતો. આ કાર ચેઝમાં સાકિબ અને હાશિમની કાર સડક પરથી ફંગોળાઇને એક ઝાડ સાથે ટકરાઇ અગનગોળો બની ગઇ હતી. આ કૃત્યમાં મહેક અને તેની માતાને સાથ આપનાર રિખાન કારવાન અને રઇસ જમાલને પણ આજીવન કેદની સજા કરાઇ હતી.


