માંદગીના બિછાને પડેલી એનએચએસે બ્રિટિશ જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો

એનએચએસના વેઇટિંગ લિસ્ટ, સારવારની કથળેલી સારવારની ગુણવત્તાથી જનતા નારાજ

Tuesday 11th July 2023 12:29 EDT
 
 

લંડનઃ એનએચએસની સ્થાપનાને 75 વર્ષના વહાણા વહી ગયાં છે. એકસમયે બ્રિટિશ જનતાની અત્યંત આદરપાત્ર એવી આ સંસ્થા આજે અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓથી પીડાઇ રહી છે જેના કારણે બ્રિટિશ જનતાનો તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એનએચએસ દ્વારા અપાતી સેવાઓથી બ્રિટિશ જનતા આજે સંતુષ્ટ નથી. ફક્ત 10 ટકા લોકો જ એમ માની રહ્યાં છે કે આગામી વર્ષોમાં એનએચએસની સેવાઓની સ્થિતિમાં કોઇ સુધારો થશે. 47 ટકા જનતા માને છે કે આગામી વર્ષોમાં એનએચએસની સેવાઓ વધુ બદતર બની શકે છે.

હાલ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 74 લાખ લોકો સારવાર માટે પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યાં છે. 3,71,000 દર્દી તો એવા છે જેઓ છેલ્લા એક વર્ષથી સારવારની કતારમાં છે. બેડની તીવ્ર અછતના કારણે એનએચએસ વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવા સંઘર્ષ કરી રહી છે. કર્મચારીઓની અછત પણ એનએચએસની સેવાઓને ગ્રસી ચૂકી છે. સંસ્થા પ્રત્યે પ્રવર્તતા અસંતોષના કારણે છેલ્લા એક વર્ષમાં 10,000 કર્મચારીઓએ એનએચએસને અલવિદા કહી દીધી છે. 83 ટકા બ્રિટિશર એમ માની રહ્યાં છે કે એનએચએસ વધુ પડતા કામના બોજા તળે દટાઇ ગઇ છે.

એનએચએસની ગુણવત્તા પણ કથળી છે. 2020માં 74 ટકા દર્દી એનએચએસમાં અપાતી સારવારની ગુણવત્તાથી સંતુષ્ટ હતાં જ્યારે આ વર્ષે આ સંખ્યા ઘટીને 48 ટકા પર આવી ગઇ છે. 22 ટકાએ એનએચએસની સારવાર ગુણવત્તાને બદતર ગણાવી છે.

ડોક્ટરોએ ચેતવણી ઉચ્ચારી છે કે યુકેની પ્રાઇમરી કેર સિસ્ટમ પડી ભાંગવાના આરે પહોંચી છે. જીપીના વર્કલોડમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં 3497 જીપી એનએચએસને અલવિદા કહી ચૂક્યાં છે. 76 ટકા બ્રિટિશર માને છે કે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટની સ્થિતિ ગંભીર બની ગઇ છે. 52 ટકા લોકો માને છે કે એનએચએસમાં એપોઇન્ટમેન્ટ મેળવવી લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ઇમર્જન્સી કેરમાં પણ સ્થિતિ બદતર બની છે. મે 2023માં 1,13,000 દર્દીઓને ઇમર્જન્સી સારવાર મેળવવા માટે એએન્ડઇમાં 12 કલાક કરતાં વધુનો સમય લાગ્યો હતો. ઇમર્જન્સી સારવારમાં થતાં વિલંબને કારણે છેલ્લા એક વર્ષમાં 23000 દર્દીના મોત થઇ ચૂક્યાં છે.

80 ટકા બ્રિટિશર માને છે કે એનએચએસને વધુ સરકારી સહાયની જરૂર છે. જ્યારે 38 ટકા લોકો સ્ટાફની અછતને એનએચએસની આજની સ્થિતિ માટે જવાબદાર ગણાવી રહ્યાં છે. 35 ટકા લોકો સરકારની નબળી નીતિઓને આના માટે જવાબદાર માને છે. 13 ટકા લોકો વધી રહેલા ઇમિગ્રેશનને જવાબદાર ગણાવી રહ્યાં છે.

એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થવાની નાગરિકોને કોઇ આશા નથી

લંડનઃ વર્ષ 2023માં એનએચએસનું વેઇટિંગ લિસ્ટ ઘટાડવામાં વડાપ્રધાન રિશી સુનાક નિષ્ફળ જશે તેમ મહત્તમ બ્રિટિશર માની રહ્યાં છે. હાલ ઇંગ્લેન્ડમાં એનએચએસનું વેઇટિંગ લિસ્ટ 7.4 મિલિયનને પાર કરી ગયું છે. જાન્યુઆરીમાં વડાપ્રધાન સુનાકે પાંચ વચન આપ્યાં હતાં જેમાં એનએચએસનું વેઇટિંગ લિસ્ટ ઘટાડવાના વચનનો પણ સમાવેશ થાય છે. હેલ્થ મિનિસ્ટર મારિયા કૌલફિલ્ડે જણાવ્યું હતું કે, વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થતાં પહેલાં તેમાં વધારો જોવા મળશે. એક સરવે પ્રમાણે 84 ટકા લોકો માને છે કે વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થવાની કોઇ સંભાવના દેખાતી નથી જ્યારે ફક્ત 9 ટકા લોકો જ માને છે કે રિશી સુનાક આ કામ કરી બતાવશે.

ભંડોળના અભાવે એનએચએસમાં સારવારની ગુણવત્તા બદતર બની

લંડનઃ એક સરવેમાં જણાવ્યા પ્રમાણે કરકસર અને ભંડોળના અભાવને કારણે એનએચએસમાં ચોક્કસ રોગો માટે અપાતી સારવારનું સ્તર કથળી ગયું છે. દર્દીઓને સારવાર માટે લાંબો સમય રાહ જોવાની ફરજ પડી રહી છે. 2010ના દાયકાના પ્રારંભથી સરકારો દ્વારા એનએચએસને અપાતા ભંડોળમાં કરકસર શરૂ થઇ હતી જેના કારણે એનએચએસ વેઇટિંગ ટાઇમના લક્ષ્યાંકો હાંસલ કરવામાં નિષ્ફળ ગઇ છે. ભંડોળના અભાવના કારણે એનએચએસમાં સારવારની ગુણવત્તા પર ગંભીર અસર જોવા મળી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter