લંડનઃ હોમ ઓફિસ દ્વારા બે બિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાતાં માઇગ્રન્ટ હોટેલ્સનું સંચાલન કરતા બે વ્યક્તિ યુકેમાંથી ફરાર થઇ ગયાની શંકા સેવાઇ રહી છે. કબાબ શોપના માલિક સફવાન આદમ અને સુશી શોપના માલિક બસ્સામ ગિલિનીએ સ્ટે બેલવેદેર હોટેલ્સ લિમિટેડ નામની કંપની દ્વારા હોમ ઓફિસ પાસેથી મિલિયનો પાઉન્ડની કમાણી કરી હતી. તેમની આ કંપની માઇગ્રન્ટ્સ માટેની 51 સાઇટનું સંચાલન કરતી હતી. માર્ચ મહિનામાં આ કંપનીની ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાંથી હકાલપટ્ટી કરાઇ હતી.
આ જોડીએ એપ્રિલ 2021થી સપ્ટેમ્બર 2022 વચ્ચે તેમની કંપનીમાંથી 47.4 મિલિયન પાઉન્ડ ડિવિડન્ડ પેટે હાંસલ કર્યાં હતાં. હવે એવી શંકા સેવાઇ રહી છે કે તેઓ યુકે છોડીને ચાલ્યા ગયા છે. એસેક્સમાં ગિલિનીના પાડોશીઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી ઘેર દેખાતાં નથી. ઇસ્ટ લંડનના આદમના એક સંબંધીએ જણાવ્યું હતું કે હાલ તે દેશમાં નથી. જોકે તેમની કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડિરેક્ટરો દેશમાં જ રહીને કામ કરી રહ્યાં છે. તેમની સાથેનો કોન્ટ્રાક્ટ શા માટે રદ કરાયો તેની માહિતી આપવા હોમ ઓફિસે ઇનકાર કર્યો છે.