લંડનઃ યુકેમાંથી દેશનિકાલનો સામનો કરી રહેલા માઇગ્રન્ટને વર્ક વિઝા અપાવવાનું કૌભાંડ ધડલ્લે ચાલી રહ્યું હોવાનો ઘટસ્ફોટ એક અખબારના પત્રકાર દ્વારા કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં કરાયો છે. પત્રકાર સાથેની વાતચીતમાં વિઝા એજન્ટે જણાવ્યું હતું કે, ઉપજાવી કાઢેલા દસ્તાવેજો દ્વારા નોકરીના દસ્તાવેજ અને વર્ક વિઝા હાંસલ કરી શકાય છે.
એજન્ટે જણાવ્યું હતું કે, માઇગ્રન્ટનો બનાવટી સીવી તૈયાર કરાશે તે ઉપરાંત બેન્ક રેકોર્ડ અને પે-રોલ દસ્તાવેજો પણ એવા બનાવવામાં આવશે કે એમ લાગે કે માઇગ્રન્ટ પ્રતિ વર્ષ 55,000 પાઉન્ડ કમાઇ રહ્યો છે. અમે માઇગ્રન્ટને સવાલોના જવાબ પણ તૈયાર કરાવીએ છીએ. પરંતુ હકીકતમાં આ પ્રકારની કોઇ જોબ જ હોતી નથી. માઇગ્રન્ટ કોઇ નોકરી કરતો નથી તેમ છતાં તેને સ્કીલ્ડ વર્કર વિઝા મળી જાય છે. અમારી પાસે નોકરીઓ નથી પરંતુ અમે તમને સ્પોન્સરશિપ સર્ટિ મેળવી આપી શકીએ છીએ.
એજન્ટે જણાવ્યું હતું કે, હું ફક્ત 13000 પાઉન્ડમાં સ્પોન્સરશિપ મેળવી આપી શકું છું. માઇગ્રન્ટ નોકરી કરી શક્તો નથી અને સ્પોન્સરશિપ માટે તેણે માસિક ફી પણ ચૂકવવી પડે છે. પરંતુ લાંબાગાળે યુકેમાં કાયમી રહેવાનો માર્ગ ખુલી જાય છે.
આ તો એક જ એજન્ટ છે. બ્રિટનમાં ઇમિગ્રેશન બ્લેક માર્કેટ ચાલી રહ્યું છે. મિડલમેન વિઝા સ્પોન્સરશિપ માટે ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવી રહ્યાં છે અને ક્રિમિનલ નેટવર્ક દ્વારા સેંકડો બનાવટી નોકરીઓ ઓફર કરવામાં આવે છે.


