લંડનઃ સાઉથપોર્ટની સ્ટેબિંગની ઘટનાનો આરોપી મુસ્લિમ અને માઇગ્રન્ટ્ હોવાની અફવા બાદ જમણેરી વિચારધારા ધરાવતા તોફાનીઓ દ્વારા ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બુધવારે તોફાની ટોળાએ સાઉથપોર્ટના સેન્ટ લૂક રોડ પર આવેલી મસ્જિદ પર પથ્થરમારો કર્યો હતો. સંડરલેન્ડમાં શુક્રવારે સાંજે એકઠાં થયેલા ટોળાએ પોલીસની કચેરી અને એક મસ્જિદ પર હુમલા કર્યા હતા. હમ્બરસાઇડના હલમાં શનિવારે કટ્ટરવાદી જમણેરી ટોળાએ એક કાર પર હુમલો કરી તેમાંથી એક એશિયન વ્યક્તિને બહાર ખેંચી કાઢ્યો હતો અને તેમને મારી નાખોના નારા લગાવ્યા હતા. હમ્બરસાઇડ રાયોટ પોલીસ આ વીડિયોની તપાસ કરી રહી છે. વીડિયોમાં એક વ્યક્તિને એમ કહેતો સંભળાય છે કે કારમાં વિદેશીઓ છે. તેમને બહાર કાઢો અને મારી નાખો....
રવિવારે રાત્રે તોફાનીઓના ટોળાએ સ્ટેફર્ડશાયરના ટેમવર્થમાં માઇગ્રન્ટ્સને આશ્રય માટે ઉપયોગમાં લેવાતી હોલીડે ઇન એક્સપ્રેસ હોટેલ પર 3 પેટ્રોલ બોમ્બ ઝિંક્યા હતાં. પોલીસ પર કરાયેલા પથ્થરમારા અને ફટાકડા ફેંકવાના બનાવોમાં એક પોલીસ અધિકારીને ઇજા પહોંચી હતી. જો કે આ હુમલામાં હોલીડે ઇન એક્સપ્રેસ હોટલમાં આશ્રય લઇ રહેલા માઇગ્રન્ટ્સ પૈકીના કોઇને ઇજા પહોંચી નહોતી. માન્ચેસ્ટરમાં તોફાનીઓએ હોલીડે ઇન હોટેલને નિશાન બનાવી હતી. રોધરહામમાં તોફાનીઓએ રાજ્યાશ્રયવાંચ્છુઓને આશ્રય અપાયો છે તે હોટલ પર પેટ્રોલ બોમ્બ વડે હુમલા કર્યાં હતાં.
સાઉથપોર્ટ કરૂણાંતિકા પછીના રમખાણોમાં સાઉથપોર્ટમાં એશિયલ દુકાનદારની દુકાનમાં તોડફોડ કરીને 10,000 પાઉન્ડ કતાં વધુ રકમના માલસામાનની લૂટ ચલાવવામાં આવી હતી. દુકાનદાર ચનાકા બાલાસુરિલાએ જણાવ્યું હતું કે, રમખાણો ફાટી નીકળવાના કારણે હું ઘેર પહોંચી ગયો હતો જ્યાં મેં સીસીટીવી પર મારી દુકાન લૂટાતા જોઇ હતી. બીજા દિવસે હું દુકાને પહોંચ્યો ત્યારે તેમાં કશું બાકી રહ્યું નહોતું. તેઓ બધો સામાન લૂટી ગયા હતા. મારી પાસે વીમો પણ નથી પરંતુ કોમ્યુનિટીએ મને મદદનું આશ્વાસન આપ્યું છે. લૂટારાઓને સજા થવી જ જોઇએ.
ઇમિગ્રેશન લોયર્સ, સેન્ટરો અને ચેરિટીઓને લક્ષ્યાંક બનાવવા ઉશ્કેરણી
યુકેમાં માઇગ્રન્ટ્સની સાથે સાથે હવે કટ્ટર જમણેરીઓ ઇમિગ્રેશન સેન્ટરો, વકીલોની ઓફિસો અને માઇગ્રન્ટ્સ માટે કામ કરતી ચેરિટીઓને પણ લક્ષ્યાંક બનાવવા ઉશ્કેરણી કરી રહ્યાં છે. આગામી દિવસોમાં સ્થિતિ વધુ ભયાવહ બને તેવી સંભાવના છે. સોશિયલ મીડિયા પર 39 ઇમિગ્રેશન સ્પેશિયાલિસ્ટ લોયર્સ, અસાયલમ સપોર્ટ ઓર્ગેનાઇઝેશનો અને ઇમિગ્રેશન સેવાઓની યાદી અને તેમના સરનામા સોશિયલ મીડિયા પર જારી કરી તેમને લક્ષ્યાંક બનાવવા ઉશ્કેરણી કરવામાં આવી રહી છે.
વંશીય લઘુમતી સમુદાયોના ડોક્ટરો અને હેલ્થકેર વર્કરોને સાવધ રહેવા સૂચના
તોફાનીઓ દ્વારા વંશીય લઘુમતી સમુદાયના જીપી અને અન્ય હેલ્થ વર્કરોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યાં છે. એક હેલ્થ લીડરે જણાવ્યું છે કે એનએચએસમાં રેસિઝમને કોઇ સ્થાન નથી. હેલ્થકેર વર્કરો પર હુમલાના અહેવાલો બાદ વંશીય લઘુમતી સમુદાયોના ફેમિલી ડોક્ટરો અને તેમની ટીમોને નોકરી પર આવતા જતાં સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે. રોયલ કોલેજ ઓફ જીપીએ હેલ્થકેર વર્કરો વિરુદ્ધની હિંસાને વખોડી કાઢી ડોક્ટરો અને કર્મચારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપી છે.
ફાર રાઇટ ઠગો હેરો, હૌન્સલો, ફિન્ચલી અને વાલ્થમસ્ટોને લક્ષ્યાંક બનાવે તેવી સંભાવના
ફાર રાઇટ ઠગો લંડનના વંશીય લઘુમતી સમુદાય બહુલ એવા ચાર વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનોની યોજના તૈયાર કરી રહ્યાં છે. મેટ્રોપોલિટન પોલીસ તેની તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયામાં ફરતી યાદી પ્રમાણે કટ્ટર જમણેરીઓ નોર્થ વેસ્ટ લંડનના હેરો, વેસ્ટ લંડનના હૌન્સલો, નોર્થ લંડનના ફિન્ચલી અને નોર્થ ઇસ્ટ લંડનના વાલ્થમસ્ટોને લક્ષ્યાંક બનાવે તેવી સંભાવના ગ્રીન પાર્ટીના સાંસદ સારા સેકમેને વ્યક્ત કરી છે.


