લંડનઃ 150 કરતાં વધુ લૉયર, માનવ અધિકાર, રેફ્યુજી અને પર્યાવરણવાદી સંગઠનોને ફાર રાઇટ એક્ટિવિસ્ટ અને એન્ટી માઇગ્રેશન દેખાવકારો દ્વારા બળાત્કાર અને મોતની ધમકી અપાતાં કામગીરી બંધ કરી દેવાની ફરજ પડી છે. રાજ્યાશ્રયવાંચ્છુઓને મદદ કરતી બે રેફ્યુજી એનજીઓએ સુરક્ષા પર ધમકીઓના કારણે તેમની કચેરીઓ બંધ કરી દીધી છે.
ફાર રાઇટ તરફથી વધી રહેલી ધમકીઓ સામે કિંગ્સ કાઉન્સેલ સહિતના ઘણા લૉયર્સ, લિબર્ટી, ગ્રીનપીસ, કેરફોરકેલૈસ, બેઇલ ફોર ઇમિગ્રેશન ડિટેઇનિસ, ચૂઝલવ, રનીમેડ ટ્રસ્ટ અને ફ્રીડમ ફ્રોમ ટોર્ચર સહિતની સંસ્થાઓએ એક આવેદનપત્ર તૈયાર કર્યું છે.
મીડિયા અને સોશિયલ મીડિયામાં માઇગ્રન્ટ્સ વિરુદ્ધ ઓકાતા ઝેર પર ચિંતા વ્યક્ત કરતાં આવેદનમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી માઇગ્રન્ટ્સ, રેફ્યુજી અને રાજ્યાશ્રયવાંચ્છુઓને મદદ કરતી સંસ્થાઓ પર મીડિયા અને સોશિયલ મીડિયામાં હુમલા વધી રહ્યાં છે. અમારા પર વધી રહેલા જોખમ અંગે અમે એકસૂરે ચિંતા વ્યક્ત કરીએ છીએ. મીડિયા અને પત્રકારો બેજવાબદાર રીતે વર્તી રહ્યાં છે. કેટલીક એનજીઓના કર્મચારીઓની વિગતો ઓનલાઇન જાહેર કરવામાં આવી રહી છે અને તેમને બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકીઓ અપાય છે.


