લંડનઃ માઇગ્રન્ટ્સને બાર કોડ અને રિસ્ટ બેન્ડ દ્વારા ટ્રેક કરવાના નિર્ણય બાદ હવે એનએચએસમાં રખાતા માઇગ્રન્ટ્સના રેકોર્ડમાં હોમ ઓફિસનો રેફરન્સ નંબર પણ ટાંકવામાં આવશે. જેના કારણે માઇગ્રન્ટ્સના ટ્રેકિંગમાં વધારો થશે અને તેમના પ્રાઇવસીના અધિકારોનું ઉલ્લંઘન થશે.
અગાઉ ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરનારા દર્દીઓને શોધી કાઢવા માટે એનએચએસના ડેટાનો ઉપયોગ કરાતો હતો પરંતુ આરોગ્ય અને સિવિલ લિબર્ટી સંગઠનો દ્વારા આ યોજનાને કાયદાકીય પડકાર અપાયા બાદ પડતી મૂકાઇ હતી. તેમનો આરોપ હતો કે આ યોજનાથી દર્દીની ગુપ્તતાનો ભંગ થાય છે, તેઓ પક્ષપાતના જોખમનો સામનો કરે છે જેના પગલે તેઓ સારવાર કરાવતા ખચકાય છે.
હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે વતી એક અધિકારીએ સંબંધિત માઇગ્રન્ટ દર્દીઓના રેકોર્ડમાં હોમ ઓફિસના રેફરન્સનો ઉલ્લેખ કરવાની એનએચએસ ઇંગ્લેન્ડને સૂચના આપ્યા બાદ ચિંતામાં વધારો થયો છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશને જણાવ્યું છે કે 2018માં પડતી મૂકાયેલી યોજનાને પાછલા બારણે અમલી બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે કેમ તેની અમે ચકાસણી કરીશું. એનએચએસ માટે હોમ ઓફિસના રેફરન્સ નંબર કોઇ કામના નથી.

