લંડનઃ યુકે અને ફ્રાન્સ વચ્ચેની ઇંગ્લિશ ચેનલ દ્વારા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની હેરાફેરીમાં સંડોવાયેલા 25 વ્યક્તિ અને કંપનીઓ પર બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. જેમાં માઇગ્રન્ટ્સ માટે નાની હોડીઓનું વેચાણ કરતી ચીની કંપનીનો પણ સમાવેશ થાય છે. 2018થી નાની હોડીઓ દ્વારા માનવ તસ્કરી કરનારી સ્મગલિંગ ગેંગ્સના મહત્વના સભ્યો સામે પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે.
આ પ્રતિબંધો અંતર્ગત યુકેમાંની તેમની કોઇપણ સંપત્તિ જપ્ત કરાશે અને તેમના યુકે પ્રવાસ પર પ્રતિબંધ લાગુ થશે. પ્રતિબંધ લદાયા છે તેવી મુખ્ય વ્યક્તિઓમાં એલન બાસિલનો સમાવેશ થાય છે. તે પૂર્વ પોલીસ ટ્રાન્સલેટર છે અને સર્બિયાથી મોટા પાયે માનવ તસ્કરીનું કામ કરી રહ્યો છે. આલ્બેનિયાના બ્લેદાર લાલા પર પણ પ્રતિબંધ લદાયા છે જે બેલ્જિયમથી ઓપરેશન સંભાળે છે. માઇગ્રન્ટ્સ દ્વારા ચૂકવાતા નાણાના વચેટિયા તરીકે કામ કરતા મુહમ્મદ ખાદિર પિરોટ પર પણ પ્રતિબંધ લદાયાં છે.

