માઇગ્રન્ટ્સને બેન્ક ખાતા, ઘરભાડાં, ડ્રાઇવિંગ લાયસન્સની સુવિધા બંધ કરવાનો પ્રારંભ

ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા સરકારે નવા ટાસ્કફોર્સની રચના કરી

Wednesday 25th January 2023 06:22 EST
 
 

લંડન

બ્રિટનમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા માટે સરકારે વિદેશી સ્થળાંતરીઓને બેન્ક એકાઉન્ટ, ઘરભાડાં, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની સેવાઓ બંધ કરવાનો પ્રારંભ કર્યો છે. ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે પોતાના વડપણ હેઠળ એક ટાસ્કફોર્સની રચના કરી છે જે ફક્ત બ્રિટનમાં કામ કરવાની પરવાનગી ધરાવતા માઇગ્રન્ટ્સને જ સરકારી સેવાઓના લાભ મળે તે સુનિશ્ચિત કરશે. જેનરિકે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, અમે ગેરકાયદેસર નોકરી આપનારા લોકો પર પણ દરોડાની કાર્યવાહી વધારી રહ્યાં છીએ. નવું ટાસ્કફોર્સ જે બ્રિટનમાં કામ કરવા માટે યોગ્ય હોય તેવા લોકોને જ જાહેર સેવાઓ અને અન્ય લાભો મળી શકે તે સુનિશ્ચિત કરશે.

સરકારના આ નિર્ણયને કારણે કન્સ્ટ્રક્શન સાઇટ્સ, કાર વોશ અને અન્ય નાના વેપારધંધા પર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટના દરોડાની કાર્યવાહી વધી જશે. છેલ્લા કેટલાક મહિનાથી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટે દરોડામાં વધારો કર્યો છે. મધ્ય ડિસેમ્બરથી અત્યારસુધીમાં 1150થી વધુ દરોડા પાડવામાં આવ્યા જે 10 ટકાનો વધારો દર્શાવે છે. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે કામ કરી રહેલા 362 માઇગ્રન્ટ્સની ધરપકડ કરાઇ હતી.

જેનરિકે જણાવ્યું હતું કે, બ્લેક માર્કેટ જોબ્સ રોજગાર માટે હકદાર સાચા કામદારોની સાથે છેતરપિંડી કરીને સમાજને નુકસાન પહોંચાડે છે. તેના કારણે નબળા લોકો જોખમમાં મૂકાય છે અને સરકારી લાભો સાથે પણ છેતરપિંડી થાય છે. અમારી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમો 24 કલાક કામ કરી રહી છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી દૂર કરવા એ જ અમારી પ્રાથમિકતા છે. નવા ટાસ્કફોર્સની મદદથી અમે કાયદાના દુરુપયોગને અટકાવીને દેશના કરદાતાઓના નાણાનો વ્યય અટકાવી શકીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter