કાર્ડિફ: મધ્ય પૂર્વના દેશોમાંથી સેંકડો શરણાર્થીઓને ગેરકાયદેસર રીતે યુરોપ અને બ્રિટન મોકલવાનું નેટવર્ક ચલાવનાર બે માનવ તસ્કરોને બ્રિટિશ કોર્ટે સખત સજા ફટકારી છે. ટ્રિપ એડવાઈઝર જેવી પ્રોફેશનલ ટ્રાવેલ એજન્સીની જેમ માનવ તસ્કરીનું રેકેટ ચલાવનારા દિલશાદ શામો (૪૩) અને અલી ખદિર (૪૨) ને પ્રત્યેકને ૧૯-૧૯ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
કાર્ડિફ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ બંને આરોપીઓ કેરફિલી સ્થિત ફાસ્ટ ટ્રેક હેન્ડ કાર વોશ નામના કાયદેસરના વ્યવસાયની આડમાં આ નેટવર્ક ચલાવતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે ૧૮ લાખ પાઉન્ડ (આશરે ૧૯ કરોડ રૂપિયાથી વધુ) નું ટર્નઓવર કર્યું હતું.
આરોપીઓએ મધ્ય પૂર્વના દેશોમાંથી લોકોને લાવી તેમને જોખમી રીતે સરહદો પાર કરાવી બ્રિટન પહોંચાડ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે માનવીય સંવેદનાઓને બાજુ પર મૂકીને માત્ર આર્થિક ફાયદા માટે આટલું મોટું નેટવર્ક ચલાવવું એ ગંભીર ગુનો છે, જેના કારણે તેમને કડક સજા થવી અનિવાર્ય હતી.

