માઇગ્રન્ટ્સને રવાન્ડામાં દેશનિકાલ કરવાની સરકારની નીતિ ગેરકાયદેસર

સરકારના ઇલલીગલ માઇગ્રન્ટ્સ બિલ અને ઘૂસણખોરી અટકાવવાની યોજનાને મોટો ફટકો

Tuesday 04th July 2023 12:07 EDT
 
 

લંડનઃ અદાલતે સુનાક સરકારની માઇગ્રન્ટ્સ માટેની રવાન્ડા પોલિસીને ગેરકાયદેસર ઠેરવતાં ગેરકાયદેસર વિદેશીઓને રવાન્ડામાં દેશનિકાલ કરવાની સુનાક સરકારની યોજનાને મોટો ફટકો પડ્યો છે. કોર્ટ ઓફ અપીલના ન્યાયાધીશોએ રવાન્ડા પોલિસીને ગેરકાયદેસર ઠેરવીને રાજ્યાશ્રય માગનારા અને એક્ટિવિસ્ટો દ્વારા અપાયેલા કાયદાકીય પડકારને સમર્થન આપ્યું હતું.

3 જજની બેન્ચમાંથી બે વિરુદ્ધ એક જજના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, રવાન્ડા સુરક્ષિત ત્રીજો દેશ નથી. કોર્ટના આ ચુકાદાના કારણે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની યોજના પર રોક લાગી ગઇ છે.

કોર્ટ ઓફ અપીલના આ ચુકાદાના કારણે સરકારના ઇલલીગલ માઇગ્રેશન બિલ અને હોડીઓ દ્વારા થતી ઘૂસણખોરીને અટકાવવાની સુએલા બ્રેવરમેનની પ્રતિજ્ઞાને મોટો ફટકો પડ્યો છે. જોકે સરકાર આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. આ ચુકાદાના કારણે ટોરી સાંસદો અને રવાન્ડાની સરકાર પણ નારાજ થયાં છે. તેઓ રવાન્ડાને વિશ્વના સૌથી સુરક્ષિત દેશ પૈકીનો એક ગણાવી રહ્યાં છે. આ પહેલાં હાઇકોર્ટે સરકારની નીતિને કાયદેસર ગણાવી હતી. જેને કોર્ટ ઓફ અપીલમાં પડકાર અપાયો હતો.

સરકારની નીતિને પડકારનાર ચેરિટી એસાયલમ એઇડે જણાવ્યું હતું કે, અદાલતનો ચુકાદો પાયાગત નૈતિકતા અને કાયદાના શાસનની મહત્વતા પર મહોર છે.

રવાન્ડા યોજનાની હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા આકરી ટીકા

સરકાર દ્વારા રજૂ કરાયેલા માઇગ્રન્ટ્સ માટેના ખરડાની મહત્વની જોગવાઇઓ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા ફગાવી દેવાતાં સુનાક સરકારને મોટો ફટકો પડ્યો છે. નાની હોડીઓ અને અન્ય વિકલ્પો દ્વારા યુકેમાં પ્રવેશેલા વિદેશી નાગરિકોને રવાન્ડામાં દેશનિકાલ કરવાની સરકારની યોજનાની કન્ઝર્વેટિવ સહિતના લોર્ડ્સ દ્વારા આકરી ટીકા કરાઇ છે.

ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવા રિશી સુનાક મક્કમ

લંડનઃ કોર્ટ ઓફ અપીલે તેના ચુકાદામાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડામાં દેશનિકાલ કરવાની સરકારની યોજનાને ગેરકાયદેસર ગણાવી હોવા છતાં વડાપ્રધાન રિશી સુનાક માને છે કે માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, આ માટે જરૂરી તમામ પ્રયાસ હું કરીશ. હું આ ચુકાદા સાથે મૂળભૂત રીતે સંમત નથી. સરકાર નક્કી કરશે કે અહીં જે આવે છે તે ક્રિમિનલ્સ છે કે નહીં. વરિષ્ઠ કાયદાકીય સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટ ઓફ અપીલના રવાન્ડા પોલિસી પરના ચુકાદાને પડકારતી સરકારની અપીલ પર ઓગસ્ટ સુધીમાં સુનાવણી હાથ ધરે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter