લંડનઃ ક્રોનિક અને એપિસોડિક માઇગ્રેન અટકાવવા માટેની સૌપ્રથમ મોંથી લેવાતી દવા ટૂંકસમયમાં એનએચએસ ખાતે ઉપલબ્ધ બનશે. આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું છે કે એટોજેપન્ટ નામની આ દવા લેવાથી ઇંગ્લેન્ડમાં 1,70,000 લોકોને માથાના સખત દુખાવામાં રાહત મળશે. જે લોકો ઇન્જેક્શન લઇ શક્તાં નથી અથવા તો જેમને અન્ય દવાઓથી રાહત મળતી નથી તેવા દર્દીઓને પણ આ દવા આપવાની ભલામણ કરાઇ છે.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સલન્સ દ્વારા ટેબલેટ સ્વરૂપમાં તૈયાર કરાયેલી આ દવાની ભલામણ કરાઇ છે. ક્લિનિકલ ટ્રાયલોમાં આ દવા કેટલાક પુખ્તો પર અસરકારક પૂરવાર થઇ હતી. સંસ્થાએ જણાવ્યું હતું કે, ઇન્જેક્શન અથવા ઇન્ફ્યુઝન દ્વારા અન્ય 3 પ્રકારની દવાઓ જેમના પર નિષ્ફળ રહી છે તેઓ એટોજેપન્ટ ટેબલેટ લઇ શકે છે.
માઇગ્રેનના કારણે દર્દીના માથાના એક ભાગમાં સખત દુખાવો થતો હોય છે. એનએચએસના એક અંદાજ પ્રમાણે યુકેમાં 60 લાખ લોકો માઇગ્રેનથી પીડાય છે. મહિલાઓમાં માઇગ્રેનનું પ્રમાણ વધુ જોવા મળે છે.

