લંડનઃ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન અને એલેક્સ ચાકે હાઉસ ઓફ લોર્ડ્સને સરકારની ઇમિગ્રેશન યોજનામાં અવરોધ ઊભો કરીને બ્રિટિશ જનતાની ઇચ્છાઓ નહીં અવગણવા ચેતવણી આપી છે. સરકારને ભય છે કે હાઉસ ઓફ લોર્ડ્સ માઇગ્રેશન ખરડામાંની મહત્વની જોગવાઇઓ હટાવીને વડાપ્રધાન રિશી સુનાકની ઇંગ્લિશ ચેનલમાં નાની હોડીઓ દ્વારા થતી વિદેશીઓની ઘૂસણખોરી અટકાવવાની પ્રતિજ્ઞા પૂરી કરવામાં રોડાં નાખી શકે છે. એમ માનવામાં આવે છે કે હાઉસ ઓફ લોર્ડ્સ માઇગ્રેશન ખરડામાં સુદાન જેવા યુદ્ધગ્રસ્ત દેશોમાંથી પલાયન કરતા નિરાશ્રિતો માટે રાજ્યાશ્રયના કાયદાકીય ઉપાયો સામેલ કરવા માઇગ્રેશન બિલમાં સુધારા રજૂ કરી શકે છે.
બીજીતરફ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ માઇગ્રેશન બિલનો વિરોધ કરતાં તેને નૈતિક રીતે અસ્વીકાર્ય ગણાવ્યું છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં માઇગ્રેશન બિલ પર ચર્ચામાં ભાગ લેતા જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે, જો આ ખરડો કાયદો બનશે તો તે પરવાનગી વિના રાજ્યાશ્રય મેળવવામાં અથવા તો બ્રિટનમાં પ્રવેશવાની કોઇને પરવાનગી નહીં આપે. ગેરકાયેદસર રીતે બ્રિટનમાં આવતા વિદેશીઓની અટકાયત કરીને તેમને તેમના વતનના દેશ અથવા તો અન્ય સુરક્ષિત દેશમાં ખસેડવાની કાયદાકીય જવાબદારી પણ હોમ સેક્રેટરીની બની રહેશે. સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપ પણ આ બિલને યુકે દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન માને છે.


