લંડનઃ ગયા સપ્તાહમાં જાહેર થયેલા માઇગ્રેશનના નવા આંકડાએ વડાપ્રધાન રિશી સુનાકની મુશ્કેલીઓ વધારી દીધી છે. વડાપ્રધાનને આશા હતી કે ફુગાવાના ઘટતા દર અને ઓટમ સ્ટેટમેન્ટમાં કરવેરામાં ઘટાડાથી જનતા અને ટોરી અસંતુષ્ટોને આકર્ષી શકાશે પરંતુ તેમ થયું નથી. સુનાક સરકાર ગેરકાયદેસર માઇગ્રેશન અને નેટ માઇગ્રેશનના આંકડા ઘટાડવા ઉત્સુક તો છે પરંતુ તે કેવી રીતે ઘટાડી શકાય અને નેટ માઇગ્રેશન કેટલું હોવું જોઇએ તેના પર સરકારમાં જ સર્વસંમતિ દેખાઇ રહી નથી. અધુરામાં પુરું સુપ્રીમ કોર્ટે રવાન્ડા યોજનાને રદ કરી નાખતાં સુનાક સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી કહી રહ્યાં છે કે રવાન્ડા પ્લાન સરકારની માઇગ્રેશન નીતિનો અંતિમ હિસ્સો નથી. જોકે માઇગ્રેશન ઘટાડવાની સરકારની નીતિનો તે મહત્વપૂર્ણ ભાગ છે. ઇમિગ્રેશન મિનિસ્ટર જેનરિક કહે છે કે અમે ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવવા માનવ તસ્કરોના નેટવર્કને તોડી પાડવાની યોજના બનાવી રહ્યાં છીએ અને રવાન્ડા યોજના માટે ટૂંકસમયમાં સંસદમાં ખરડો પણ લાવીશું. પરંતુ 10 ડાઉનિંગ સ્ટ્રીટ રવાન્ડા સાથેના કરારના મુદ્દે કોઇ બાંયધરી આપવા તૈયાર નથી.
ટોરી પાર્ટીમાં જ ઘણા સાંસદો હવે ધીરજ ગુમાવી રહ્યાં છે. તેમનો આરોપ છે કે આ મામલામાં સરકાર કોઇ પ્રગતિ કરી રહી નથી. સાંસદોનું કહેવું છે કે જનતા મારી સામે સતત આ મુદ્દો ઉઠાવી રહી છે. ઇંગ્લિશ ચેનલ દ્વારા થતી ઘૂસણખોરીથી જનતા ઘણી આહત છે. મોટી સંખ્યામાં બેક બેન્ચર્સ માઇગ્રેશનનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે.
યુકેમાં લીગલ માઇગ્રેશન પર નિયંત્રણ લાદવા માટે વડાપ્રધાન રિશી સુનાક પર પ્રચંડ દબાણ સર્જાયું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વર્ષ 2022 માટે જાહેર કરાયેલા સુધારેલા આંકડા અનુસાર ડિસેમ્બર 2022 સુધીમાં 6,06,000 નહીં પરંતુ 7,45,000 લીગલ માઇગ્રન્ટ્સ યુકેમાં આવ્યાં હતાં. તેનો અર્થ એ થયો કે કેમ્બ્રિજની વસતી જેટલાં માઇગ્રન્ટ્સ એક જ વર્ષમાં યુકે આવ્યા હતા.
ઓએનએસના જણાવ્યા અનુસાર યુકે આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં મોટાભાગના યુરોપિયન સંઘ સિવાયના દેશોના નાગરિકો છે. જૂન 2023 સુધીમાં સૌથી વધુ 2,53,000 ભારતીય ઇમિગ્રન્ટ્સ યુકે આવ્યા હતા. ત્યારબાદ 1,41,000 નાઇજિરિયન, 89000 ચીની, 55000 પાકિસ્તાની અને 35000 યુક્રેનિયન યુકે આવ્યા હતા.
રેકોર્ડ ઇમિગ્રેશન બ્રિટિશ જનતાના ચહેરા પર તમાચા સમાનઃ બ્રેવરમેન
પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને વડાપ્રધાન રિશી સુનાક પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રેકોર્ડ માઇગ્રેશનના આંકડા બ્રિટિશ જનતાના ચહેરા પર તમાચા સમાન છે. ઇમિગ્રેશન અટકાવવામાં સરકારની નિષ્ફળતા માટે વડાપ્રધાન સુનાક જવાબદાર છે. સુએલાએ જણાવ્યું હતું કે, હું હોમ સેક્રેટરી હતી ત્યારે મેં લીગલ માઇગ્રેશન ઘટાડવા પાંચ મુદ્દાનો કાર્યક્રમ ચલાવ્યો હતો પરંતુ તેના પર કામ કરવાનો રિશી સુનાકે ઇનકાર કરી દીધો હતો.
યુકેના વિઝા મેળવવામાં ભારતીયોનો દબદબો
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) દ્વારા સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા વર્ષ માટે એકઠાં કરાયેલા આંકડા અનુસાર યુકેના વિવિધ કેટેગરીના વિઝા મેળવવામાં ભારતીયોનો દબદબો રહ્યો હતો. ભારતીયો ન કેવળ સ્કીલ્ડ વર્કર વિઝા પરંતુ હેલ્થ અને કેર વિઝા મેળવવામાં પણ પ્રથમ સ્થાને રહ્યાં હતાં. સ્ટુડન્ટ વિઝા કેટેગરીમાં પણ ભારતીયો અગ્રીમ સ્થાન પર રહ્યાં હતાં.
ભારતીયોને અપાયેલા વિઝા
હેલ્થ એન્ડ કેર વિઝા – 38,866
સ્કીલ્ડ વર્કર વિઝા – 18,107
સ્ટુડન્ટ વિઝા – 1,33,237
આશ્રિતોને વિઝા – 43,445


