લંડનઃ માઈગ્રન્ટ્સ પરિવારોમાં ‘બેબી બૂમ’ના કારણે ઈંગ્લિશ પ્રાઈમરી સ્કૂલ્સમાં વિદ્યાર્થીની સંખ્યામાં ૨૫ ટકા જેટલો ભારે ઊછાળો આવ્યો છે. સુપરસાઈઝ્ડ એટલે કે ૮૦૦થી વધુ વિદ્યાર્થી સાથેની શાળાઓમાં ૧૦૦,૦૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળામાં વર્ગો અને બેઠકો વધારવાની માગણી વધતા કાઉન્સિલો પણ મૂંઝાઈ છે. વર્ષમાં વિદ્યાર્થીઓની વધેલી સંખ્યાનો આશરે ૭૫ ટકા હિસ્સો વંશીય લઘુમતી બાળકોનો જોવા મળે છે.
ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશનના ડેટા અનુસાર ગયા વર્ષની ૮૭ સ્કૂલની સરખામણીએ ૧૦૯ પ્રાઈમરી શાળા ૮૦૦થી વધુ બાળકોને અભ્યાસ કરાવે છે. આનો અર્થ એ છે કે ૧૦૦,૩૧૫ નાના બાળકો શાળામાં ગીચોગીચ ભરાય છે, જે સંખ્યા જાન્યુઆરી ૨૦૧૫માં ૭૯,૦૦૩ હતી. મોટા ભાગની આ શાળાઓ નવી નથી, પરંતુ જૂની શાળાઓમાં બેઠકોનું વિસ્તરણ કરાયું છે. વર્ષ ૨૦૧૦માં ૮૦૦થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાની સંખ્યા ૧૬ હતી, જ્યાં આશરે ૧૩,૭૦૦ બાળકો અભ્યાસ કરતા હતા.
સરકારી ભંડોળ સાથેની સરેરાશ પ્રાઈમરી શાળામાં ૨૭૫ વિદ્યાર્થી હોય છે. વર્ષ ૨૦૧૧થી તેમાં સરાસરી ૩૦ વિદ્યાર્થીનો વધારો થતો રહ્યો છે. ઈંગ્લેન્ડની શાળાઓમાં સમગ્રતયા ૮.૫૬ મિલિયન વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેમાં ૨૦૧૫થી ૧૨૧,૦૦૦થી વધુ વિદ્યાર્થી અથવા ૧.૪ ટકાનો વધારો થયો છે. શાળાઓમાં વંશીય લઘુમતી મૂળના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૨૦૦૬થી વધી રહ્યું છે. પ્રાઈમરી સ્કૂલ્સમાં ૩૧.૪ ટકા વિદ્યાર્થી વંશીય લઘુમતી મૂળના છે. જાન્યુઆરી ૨૦૧૫માં આ પ્રમાણ ૩૦.૪ ટકા હતું. પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલ્સમાં વિક્રમજનક ૧.૨૩ મિલિયન બાળકો પ્રથમ ભાષા તરીકે ઈંગ્લિશ બોલતા નથી. આ પ્રમાણ પ્રાઈમરી સ્કૂલ્સમાં ૨૦.૧ ટકા અને સેકન્ડરી સ્કૂલ્સમાં ૧૫.૭ ટકા છે.


