લંડનઃ કાનૂની રીતે પ્રવેશ મુશ્કેલ જણાતા મધ્યમવર્ગીય માઈગ્રન્ટ્સને માની ન શકાય તેવા માર્ગોએ સ્પીડબોટ, યાટ અને હળવા એરક્રાફ્ટની મદદથી યુકેમાં ઘુસાડવાની લાલચ ક્રિમિનલ ગેંગ્સ આપે છે. આ માટે માઈગ્રન્ટ્સ દ્વારા વ્યક્તિદીઠ ૧૦,૦૦૦ પાઉન્ડની ફી પણ ચુકવવામાં આવે છે. કેલેની પોલીસના માનવા અનુસાર ફેરી બંદરો અને યુરોટનલ નેટવર્ક પર સલામતી વધારાયા પછી યુરોપની કરોડો પાઉન્ડની માનવ તસ્કરી ઈન્ડસ્ટ્રી પર અંકુશ ધરાવતી આલ્બેનિયન ગેંગ્સ ઈંગ્લેન્ડમાં ઘુસણખોરીના નવા માર્ગ અપનાવી રહી છે.
માલસામાન લઈ જતી ટ્રક-લોરી અને ફેરીઓમાં માઈગ્રન્ટ્સની ગેરકાયદે હેરફેર મુશ્કેલ બનતા ક્રિમિનલ ગેંગ્સ ઈંગ્લિશ ચેનલને પાર કરાવવા રેફ્યુજીઓ પાસેથી દસ ગણી રકમ વસુલી રહી છે. કેન્ટમાં ડીલ નજીકનો એકાંત ટાપુ લોકોને ઉતારવા માટે ઉપયોગમાં લેવાતો હોવાનું સ્થાનિક લોકો માને છે. અહીં એક સ્પીડબોટ ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી તેમજ માછીમારોએ શંકાસ્પદ હિલચાલો પણ નોંધી હતી.
માઈગ્રન્ટ્સને ઈંગ્લિશ ચેનલ પાર કરાવવા મોટી બોટ્સ-યોટ્સનો ઉપયોગ કરનાર બે વ્યક્તિને ૨૦૧૩માં સજા થઈ હતી. તેમણે પાંચ ટ્રિપમાં ૩૦ માઈગ્રન્ટ્સને ચેનલ પાર કરાવ્યાની કબૂલાત કરી હતી. કેલેમાં આશરે ૪,૫૦૦ નિર્વાસિતો છાવણીઓમાં રહે છે, જેમાં મુખ્યત્વે આલ્બેનિયન, સીરિયનો, આરબ અને કેટલાંક એશિયનોનો પણ સમાવેશ થાય છે. ફ્રાન્સના સત્તાવાળા ઉત્તર ફ્રાન્સમાં નાના બંદરો અને એરફિલ્ડ્સ પર દેખરેખ રાખે છે.
ગયા મહિને જ ડનકિર્ક નજીક વિશાળ આલ્બેનિયન માનવ તસ્કરી નેટવર્કના હિસ્સા મનાતા ડેવિડ ટર્પિન અને અન્ય પાંચની ધરપકડ કરાઈ હતી. ટર્પિને બચાવમાં કહ્યું હતું કે તેની સ્પીડબોટમાં માઈગ્રન્ટ્સની હેરફેર કરવા ક્રિમિનલ ગેંગ્સે ધમકીઓ આપી હતી. તેને માઈગ્રન્ટ દીઠ ૧,૦૦૦ પાઉન્ડ ચુકવવાની ખાતરી અપાઈ હતી પરંતુ ગેંગ્સને માઈગ્રન્ટ દીઠ ૧૦,૦૦૦ પાઉન્ડ મળતા હતા.