લંડનઃ ફ્રાન્સના પોર્ટ ઓફ કેલેથી ચેનલ દ્વારા બ્રિટનમાં ઘૂસી જતા માઈગ્રન્ટ્સને અટકાવવા બે મિલિયન પાઉન્ડના ખર્ચે મુખ્ય મોટરવેની સમાંતર ૧૩ ફૂટ ઊંચાઈની એક માઈલ લાંબી ક્રોંકીટની દીવાલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ દીવાલનું બાંધકામ ટુંક સમયમાં જ શરુ થશે, જે ફેન્સિંગનું સ્થાન લેશે. જોકે, આ કરદાતાના નાણાનો દુર્વ્યય હોવાની ટીકા પણ થઈ રહી છે.
ઈમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ ગુડવિલે કોમન્સ હોમ એફેર્સ કમિટી સમક્ષ જણાવ્યું હતું કે આ દીવાલ માઈગ્રન્ટ્સનો પ્રવાહ અટકાવશે અને ડ્રાઈવર્સને સલામત રાખશે. હોમ ઓફિસે કહ્યું હતું કે પોર્ટ તરફ આવતા વાહનો પર હુમલા કરવા, ટ્રાફિક ખોરવવા, વિલંબિત કરવા માટે માઈગ્રન્ટ્સ દ્વારા ચીજવસ્તુઓ ફેંકાય છે તે બંધ થઈ જશે.
જુલાઈના સત્તાવાર આંકડા મુજબ યુકેમાં ઘૂસવાના પ્રયાસમાં દર છ મિનિટે એક માઈગ્રન્ટ પકડાય છે અને સરહદ પર ગયા વર્ષે ૮૪,૦૮૮ લોકોની અટકાયત કરાઈ હતી. મોટા ભાગના લોકો કેલે પોર્ટના કંટ્રોલ્સ પર પકડાયાં હતાં, જેઓ યુકે તરફ જતાં વાહનો પર ચડવા હિંસાનો પણ આશ્રય લે છે.
ટનેલ સાથેનું આ પોર્ટ તુર્કી અને નોર્થ આફ્રિકાથી બોટમાં ગેરકાયદે યુરોપમાં પ્રવેશનું મુખ્ય સ્થળ બની રહ્યું છે. આ વર્ષે દસ લાખથી વધુ માઈગ્રન્ટ્સ અને શરણાર્થી અહીં આવ્યાં છે. કેલે નજીક જંગલમાં બંધાયેલી છાવણીઓમાં ૧૦,૦૦૦થી વધુ માઈગ્રન્ટ્સ આશરો લઈ રહ્યાં છે.


