માઈગ્રન્ટ્સ તરફ પૂર્વગ્રહની અસરઃ તેજસ્વી ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટન જવાનું ટાળે છે

Wednesday 26th October 2016 07:05 EDT
 
 

લંડનઃ માઈગ્રન્ટ્સ તરફ યુકે સરકારના પૂર્વગ્રહના કારણે ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બ્રિટન અભ્યાસ કરવા જવાથી દૂર થતાં ગયાં હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. દરિયાપારના વિદ્યાર્થીઓ બ્રિટિશ અર્થતંત્રમાં વ્યાપક ફાળો આપે છે તેમાં કોઈ શંકા નથી સંશોધન કહે છે કે પરદેશી વિદ્યાર્થીઓ યુકેની ૧૭૦,૦૦૦ નોકરીઓને સપોર્ટ કરે છે અને દર વર્ષે અર્થતંત્ર માટે તેમનું મૂલ્ય ૧૦.૭ બિલિયન પાઉન્ડથી વધુ છે. સ્ટુડન્ટ વિઝાની મુદત પૂર્ણ થયા પછી યુકેમાં અદૃશ્ય થઈ જતાં વિદ્યાર્થીઓનો આંકડો ઘણો મોટો હોવાનું સરકાર કહેતી આવી છે પરંતુ, તાજેતરમાં જ ગુપ્ત સરકારી રિપોર્ટમાં કહેવાયું છે કે માત્ર ૧ ટકા વિદ્યાર્થી વિઝામુદત કરતા વધુ સમય યુકેમાં રહે છે.

બોરિસ જ્હોન્સન લંડનના મેયર હતા ત્યારે તેમણે જોરશોરથી કહ્યું હતું કે સરકારે ઈમિગ્રેશનના કુલ આંકડામાં વિદેશી વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો ન જોઈએ. આમ છતાં, વડા પ્રધાન થેરેસા મે દેશમાં આવતા વિદ્યાર્થીઓ પર ત્રાટકવા મક્કમ છે. ધ ટાઈમ્સના અહેવાલ મુજબ હોમ સેક્રેટરી એમ્બર રડે બ્રેક્ઝિટ પછી ઈમિગ્રેશન વિરુદ્ધ સખત પગલાંમાંથી વિદ્યાર્થીઓને રક્ષણ આપવા તેમને સત્તાવાર ઈમિગ્રેશન સ્ટેટેસ્ટિક્સમાંથી દૂર કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ, મેએ તેમને અટકાવ્યાં હતાં.

યુકેમાં ગ્રેજ્યુએશન પછી કામ કરવાના બે વર્ષના વિઝાની પોસ્ટ સ્ટડી વર્ક સ્કીમ નાબૂદ કરાયા પછી ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે યુકેના બદલે હવે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસ અને યુરોપની પસંદગી કરતા થયા છે. ગત એક વર્ષમાં જ ભારતીય વિદ્યાર્થીઓેની સંખ્યા ૧૦ ટકા ઘટી છે. રૂપિયા સામે પાઉન્ડની કિંમત ઘટી છે ત્યારે પરદેશી વિદ્યાર્થીઓનો પ્રવાહ વધવો જોઈતો હતો પરંતુ, થેરેસા મેના ‘બિનઆવકારપાત્ર’ વલણથી તેના પર અસર થઈ છે.

યુનિવર્સિટી ઓફ કલકત્તાની વિદ્યાર્થીની ઈશિતા દત્તાએ ‘ગુજરાત સમાચાર’ને જણાવ્યું હતું કે,‘મેં ફાઈનલ્સમાં ઘણા ઊંચા માર્ક્સ મેળવ્યાં છે. હું ઉચ્ચ શિક્ષણ મેળવવાં વિચારું છું પરંતુ, ઈમિગ્રેશન રુલ્સના કારણે યુકેની યુનિવર્સિટીઓમાં અરજી કરી નથી. મારાં પિતા યુનિવર્સિટી ઓફ લંડનના ગ્રેજ્યુએટ છે અને મારી માતાએ સ્કોટલેન્ડમાં અભ્યાસ કર્યો છે. દેખીતી રીતે જ વધુ અભ્યાસ માટે બ્રિટનની પસંદગી કરી શકાય. પરંતુ, એક વર્ષના કોર્સની ૨૫,૦૦૦ પાઉન્ડ ફી ભર્યાં પછી કોર્સ પૂર્ણ થતાં જ અમારે કામકાજના અનુભવની યોગ્ય તક મેળવ્યાં વિના જ સ્વદેશ પરત થવું પડે છે. આના બદલે તો મારાં સ્વપ્નો સિદ્ધ કરવાં હું યુએસ કે કેનેડા (મને બન્ને સ્થળેથી ઓફર છે) જવાનું પસંદ કરીશ. યુકેએ અમારાં માટે દ્વાર બંધ કરી દીધાં છે, જે શરમજનક છે.’

ગત મહિને YouGov દ્વારા ૧,૬૫૮ પુખ્ત લોકોના સર્વેમાં જણાયું હતું કે લોકો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિશે મિનિસ્ટર્સના નકારાત્મક મંતવ્યો સાથે સહમત નથી. અડધા મતદારોએ જણાવ્યું હતું કે દરિયાપારના વિદ્યાર્થીઓને બ્રિટિશ યુનિવર્સિટીઓમાં આકર્ષવા ઉત્તેજન આપવું જોઈએ, જ્યારે ત્રીજા ભાગથી ઓછાંએ વિદેશી વિદ્યાર્થીઓને અટકાવવાનો મત આપ્યો હતો.

પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી શોધવા બ્રિટનમાં રહે તે મુદ્દે લોકો ચિંતિત ન હતા. આ અંગે ૪૨ ટકાએ આ વિદ્યાર્થીઓની પોઝિટિવ અસર જ્યારે, ૧૩ ટકાએ નેગેટિવ અસર હોવાનું જણાવ્યું હતું. બાકીના ૪૫ ટકાએ કોઈ અસર ન હોવાનું કે જાણકારી ન હોવાનું કહ્યું હતું. વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પછી મર્યાદિત સમય માટે ગ્રેજ્યુએટ લેવલની નોકરી શોધવા બ્રિટનમાં રહેવાની છૂટ વિશે ૫૪ ટકાએ હા અને ૨૮ ટકાએ ના કહી હતી.

હોમ ઓફિસ દ્વારા ઓગસ્ટ મહિનામાં જાહેર કરાયેલી ટ્રાયલમાં માત્ર ચાર સંસ્થા-ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, ઈમ્પિરિયલ કોલેજ લંડન અને બાથને માસ્ટર્સ ડીગ્રીના ઓવરસીઝ વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રોસેસ કરવાની છૂટ અપાઈ છે. આ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી છ મહિના નોકરી શોધવા યુકેમાં રહેવાની પરવાનગી અપાશે. આ પ્રયોગ સફળ થશે તો બે વર્ષ ચલાવાશે. અત્યારે ઓવરસીઝ વિદ્યાર્થીઓ કોર્સ પૂર્ણ થયા પછી નોકરી શોધવા ચાર મહિના યુકેમાં રહી શકે છે અને વાર્ષિક ૨૦,૦૦૦ પાઉન્ડની નોકરી મેળવી ન શકે તો સ્વદેશ પરત થવું પડે છે. જોકે, નબળી ગુણવત્તાના કોર્સીસ અને ઈંગ્લિશમાં નિપુણતા સંદર્ભે વિદ્યાર્થીઓ માટે કડક નિયમોની એમ્બર રડની ટીપ્પણીઓથી નબળી ગુણવત્તાના કોર્સીસવી વ્યાખ્યા સહિતના પ્રશ્નો અનુત્તર રહે છે. બીજી તરફ, માત્ર ચાર સંસ્થાને આવી છૂટ મળવા સામે રસેલ ગ્રૂપની ૨૪ યુનિવર્સિટીઓ નારાજ છે.

નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ યુનિયન (NISU)ના પ્રેસિડેન્ટ સનમ અરોરાએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે,‘અચાનક માઈગ્રન્ટ શબ્દ નકારાત્મક બની ક્રાઈમ અને ‘આ અમારી નોકરી છીનવે છે’ સાથે સંકળાઈ ગયો છે. ખરેખર તો, વિદ્યાર્થીઓ માઈગ્રન્ટ્સ નથી, તેઓ તો ઉચ્ચ શિક્ષણના સમયગાળામાં આપણા દેશમાં રહે છે. તેમને વધુમાં ટેમ્પરરી માઈગ્રન્ટ ગણાવી શકાય. ભારત દર વર્ષે ૩૦૦,૦૦૦ વિદ્યાર્થી વિદેશ મોકલે છે. બિલિયન્સ ડોલર્સના ઉદ્યોગમાં યુકે ચોથા ક્રમનું સૌથી મોટુ નિકાસ બજાર છે અને ભારત તેનું બીજા ક્રમનું સૌથી મોટુ કન્ઝ્યુમર છે. શ્રેષ્ઠ અને તેજસ્વી ભારતીય વિદ્યાર્થીઓ યુકે આવે તેમ દેશ ઈચ્છતો હોય તો તેમને આવકારની લાગણી જણાય તેવું વાતાવરણ સર્જવું પડે. જર્મની જેવાં દેશોએ એજ્યુકેશન ફ્રી બનાવ્યું છે ત્યારે યુકે શા માટે ભારે રેવન્યુ ગુમાવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને નુકસાન કરાવે છે. યુકેના ભારતીય ડાયસ્પોરા તરીકે આપણે જાતને પ્રશ્ન કરવો પડશે કે યુકે અને ભારત વચ્ચે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે આપણે બરાબર કામ કરી રહ્યા છીએ?’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter