લંડનઃ 2022ના લેસ્ટરના રમખાણો દરમિયાન હિન્દુ સમુદાય વિરુદ્ધ દુષ્પ્રચાર કરનાર માજિદ ફ્રીમેન પર વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે હમાસને સમર્થન આપવા અને આતંકવાદને પ્રોત્સાહિત કરવાના આરોપ મૂકાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે માજિદ ફ્રીમેને તાજેતરમાં યોજાયેલી સંસદની ચૂંટણીમાં લેસ્ટર સાઉથ મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ભારતીય મૂળના અપક્ષ ઉમેદવાર શૌકત આદમ પટેલના સમર્થનમાં પૂર્વ સાંસદ જોનાથાન એશવર્થ સામે અભિયાન ચલાવ્યું હતું. તેણે 26 ડિસેમ્બર 2023થી 20 જૂન 2024 વચ્ચે સોશિયલ મીડિયા પર હમાસના સમર્થનમાં ઢગલાબંધ પોસ્ટ મૂકી હતી. તેના પર ટેરરિઝમ એક્ટ 2000નીધારા 12(1એ) અને 6 અંતર્ગત આરોપ ઘડાયા છે.
માજિદ પર આતંકવાદી પ્રવૃત્તિઓને સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપવાના આરોપ ઘડવામાં આવ્યાં છે. ફ્રીમેન અદાલતમાં પણ પેલેસ્ટાઇનના ધ્વજ સાથે હાજર રહ્યો હતો જ્યારે તેના સમર્થકોએ અદાલત પરિસરમાં પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવ્યા હતા.
સરકારી વકીલે જણાવ્યું હતું કે, માજિદે 2015માં ચાર્લી હેબ્દો પ્રકાશન પર થયેલા આતંકવાદી હુમલાઓના સંદર્ભમાં પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેણે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલીને હામસ અને તેના હિંસક કૃત્યોને સમર્થન આપ્યું હતું. તેણે ઇઝરાયેલી સૈનિકો પર હુમલાને પણ સમર્થન જાહેર કર્યું હતું. ફ્રીમેન સોશિયલ મીડિયા પર 50,000 કરતાં વધુ ફોલોઅર્સ ધરાવે છે અને તે પોતાને મુસ્લિમોનો મીડિયા પ્રવક્તા ગણાવે છે. તેની ધરપકડ સમયે ઉમટેલા સમર્થકોની ભીડ જ દર્શાવે છે કે તે લોકો પર કેવો પ્રભાવ પાડી શકે છે.


