લંડનઃ કિંગ ચાર્લ્સ દ્વારા જાહેર કરાયેલા ન્યૂ યર ઓનર્સમાં ટીએલસી ગ્રુપના સીઇઓ અને અગ્રણી બ્રિટિશ ગુજરાતી લોર્ડ ડોલર પોપટના પુત્ર પાવન પોપટને ઓબીઇની ઉપાધિથી સન્માનિત કરાયાં છે. પાવન પોપટ યુકેના અગ્રણી હિન્દુ બિઝનેસ લીડર્સમાં સ્થાન ધરાવે છે. પાવન પોપટને હાઉસિંગ સેક્ટરમાં મહત્વના યોગદાન અને વૃદ્ધો મધ્યેની તેમની સેવાઓ માટે આ ઓનર્સથી સન્માનિત કરાયા છે. પાવન પોપટ યુકેના સૌપ્રથમ એશિયન વેજિટેરિયન કેર હોમની સ્થાપના માટે જાણીતા છે. નેશનલ હાઉસિંગ પોલિસી તૈયાર કરવામાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન છે. તેમના કાર્યોમાં પારિવારિક અને ધાર્મિક સંસ્કારની ઝલક જોવા મળે છે.
પાવન પોપટે જણાવ્યું હતું કે, મારા આખા જીવન માટે માર્ગદર્શક રહેલા મૂલ્યો માટે મળેલા સન્માનથી ગૌરવ અનુભવી રહ્યો છું. મારા માતાપિતા અને મારા ગુરૂ મોરારી બાપુએ મને માનવતા, દયા અને સેવાનું મહત્વ શીખવ્યું છે. તેમના શિક્ષણે ન કેવળ મારા કામમાં પરંતુ રોજિંદુ જીવન જીવવાની પણ પ્રેરણા આપી છે. હું ભારતીય સમુદાય માટે કામ કરવાનું જારી રાખીશ.


