માત્ર NRIને જૂન સુધી નોટ્સ બદલવાની છૂટઃ PIO કે OCI ભારે મુશ્કેલીમાં મૂકાયા

Wednesday 18th January 2017 05:57 EST
 
 

લંડન, નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિમોનિટાઈઝેશન પગલાથી માત્ર ભારતવાસીઓ જ નહિ, બિનનિવાસી ભારતીયો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ભારતની મુલાકાત લીધા પછી પ્રતિબંધિત ચલણી નોટો ધરાવતા પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) અને ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCI)ને નોટોના એક્સચેન્જ બાબતે ઘોર નિરાશા સાંપડી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી રદ કરવામાં આવેલી રૂ.૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ્સ જમા કરાવવા બિનનિવાસી ભારતીયોને જૂન ૨૦૧૭ સુધી ગ્રેસ પિરિયડ અપાયો છે તે માત્ર ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નોટ્સ બદલાવવાને પ્રયાસ કરનારા PIO અને OCIને આ સુવિધા આપી ન હતી. આ લોકો આઠ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બરના સમયગાળામાં ભારતમાં ન હોવાં છતાં રદ ચલણી નોટ્સ બદલી અપાઈ નથી. તાજા FAQ લિસ્ટમાં મધ્યસ્થ બેન્કે સ્પષ્ટ કર્યું છે કે PIO અને OCI આ યોજનામાંથી બાકાત છે. અગાઉના નોટિફિકેશનમાં સરકાર અને RBI દ્વારા જણાવાયું હતું કે માર્ચ ૨૦૧૭ સુધી રદ કરાયેલી નોટ્સ બદલી આપવામાં આવશે પરંતુ, આખરી અધ્યાદેશમાં આ જોગવાઈ રખાઈ નથી.

સરકારે ગેઝેટમાં જણાવ્યું હતું કે, નવ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર,૨૦૧૬ સુધી ભારતની બહાર રહેલા તમામ ભારતીય નાગરિકોને રદ નોટ્સ બદલવાની આ સવલત મળશે. ગેઝેટને અનુસરી RBI દ્વારા જણાવાયું હતું કે આ યોજનાનો લાભ નવ નવેમ્બરથી ૩૦ ડિસેંમ્બર,૨૦૧૬ સુધી વિદેશમાં હોય તેમને જ મળી શકશે. આ સમયગાળામાં વિદેશ રહેલા નિવાસી ભારતીય નાગરિકો ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી અને બિનનિવાસી ભારતીય નાગરિકો (NRI) ૩૦ જૂન ૨૦૧૭ સુધી આ સવલતનો લાભ મેળવી શકશે.

બેન્કર્સનું કહેવું છે કે વિદેશી નાગરિકો માટે છૂટનો સમયગાળો વ્યાપક બનાવાય તો એન્ફોર્સમેન્ટ સત્તાવાળા માટે નિયંત્રણ કરવું મુશ્કેલ બની રહેશે. ભૂતકાળમાં ભારતની મુલાકાત લેનારા કોઈનો પણ ઉપયોગ રદ કરાયેલી ચલણી નોટ્સને બદલાવવા કરી શકાય છે.

NRI, PIO અને OCIવચ્ચે શું તફાવત?

NRI અથવા બિનનિવાસી ભારતીય એવો ભારતીય નાગરિક છે જે ભારતીય પાસપોર્ટ ધરાવે છે અને કામકાજ, રહેઠાણ કે અન્ય હેતુસર છ મહિના અથવા વધુ સમય માટે અન્ય દેશમાં કામચલાઉ સ્થળાંતર કરી ગયો છે.

PIO અથવા પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન અન્ય દેશના નાગરિક છે પરંતુ જેમના ઓછામાં ઓછી ચાર પેઢી સુધીના પૂર્વજો ભારતીય નાગરિક હતા. ભારતીય મૂળ ધરાવતા પાકિસ્તાની અને બાંગલાદેશી નાગરિકો સિવાયના અને વિદેશી પાસપોર્ટ ધરાવતા ભારતીય મૂળના લોકોને PIO કાર્ડ ઈસ્યુ કરવામાં આવેલ છે.

OCI અથવા ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા, વિદેશી નાગરિક છે, જેઓ ૨૬-૦૧-૧૯૫૦ના દિવસે ભારતીય નાગરિક બનવાને લાયક હતા અથવા ૨૬-૦૧-૧૯૫૦ના દિવસે અથવા તે પછીના સમયે ભારતીય નાગરિક હતા અથવા ૧૫-૦૮-૧૯૪૭ પછી ભારતનો હિસ્સો બનેલા પ્રદેશના નિવાસી હતા. આ લોકોના બાળકો અને ગ્રાન્ડચિલ્ડ્રન પણ ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા તરીકે રજિસ્ટ્રેશન કરાવવાની લાયકાત ધરાવે છે.

વિદેશમાં વસતા ભારતીય ડાયસ્પોરા દ્વારા દ્વિનાગરિકત્વની માગણીના પ્રતિભાવમાં OCIયોજના જાહેર કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૦૬માં સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એક્ટ ૨૦૦૫ અન્વયે આ યોજના અમલી બનાવાઈ હતી. આના પરિણામે, વિદેશી પાસપોર્ટધારકો વિઝા વિના જ OCIકાર્ડના ઉપયોગથી ભારતની મુલાકાત લઈ શકતા હતા. અગાઉ, PIO કાર્ડ ભારતીય મૂળના નાગરિકોને ઈસ્યુ કરવામાં આવતું હતું. આ યોજનાને પાછળથી OCIયોજનામાં ભેળવી દેવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter