લંડનઃ કેર હોમના ખર્ચામાં જંગી વધારાના કારણે વૃદ્ધ લોકોને હોમમાંથી બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સિટિઝન્સ એડવાઈઝ સંસ્થાના અનુસાર ગેરવાજબી કોન્ટ્રાક્ટ્સ અને છુપા ખર્ચા થકી હજારો વૃદ્ધ રેસિડેન્ટ્સનું શોષણ થાય છે. ૨૦,૦૦૦થી વધુ પેન્શનરને વધેલા ખર્ચા અંગે માત્ર એક સપ્તાહની નોટિસ અપાય છે. હકાલપટ્ટીનું જોખમ ટાળવા તેમના પરિવારોએ દેવું કરવાની પણ ફરજ પડે છે.
ગયા વર્ષે નર્સિંગ હોમની ફીમાં સરેરાશ ૧,૮૭૨ પાઉન્ડનો વધારો થયો હતો, જેનાથી સરેરાશ ખર્ચ વધીને વાર્ષિક ૪૦,૨૪૮ પાઉન્ડ થયો હતો. બીજી તરફ, કેર હોમમાં સરેરાશ ખર્ચ ૫૭૨ પાઉન્ડ વધી વાર્ષિક ૨૯,૫૮૮ પાઉન્ડ થયો હતો. સિટિઝન્સ એડવાઈઝ કહે છે કે ફી વધારો વાજબી છે કે નહિ તે સાબિત કરવા કે પ્રોવાઈડર સાથે ચર્ચાનો સમય નહિ રહેવાથી પરિવારોએ ઊંચી ફી ભર્યા સિવાય વિકલ્પ રહેતો નથી.
ટુંકી નોટિસના કારણે સસ્તા કેર હોમ્સની તપાસનો પણ સમય મળતો નથી. ચેરિટીના ‘હિડન ચાર્જીસ ઈન કેર હોમ્સ’ રિપોર્ટમાં રેસિડેન્ટ્સ અથવા તેમના પરિવારોને ફીવધારાની ઓછામાં ઓછાં ચાર સપ્તાહની નોટિસ આપવાની ભલામણ કરાઈ છે. કેર હોમ્સ દ્વારા ઉપયોગમાં લેવાતાં કોન્ટ્રાક્ટસની તપાસ કરવા પણ કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ વોચડોગને જણાવાયું છે. થોડાં સમય અગાઉ જ પાર્લામેન્ટરી એન્ડ હેલ્થ સર્વિસના ઓમ્બડ્ઝ્મેને જાહેર કર્યું હતું કે હોસ્પિટલો અને કેર હોમ્સમાં તેમની સારવાર સંબંધે ફરિયાદ કરાશે તો સારસંભાળને અસર થશે તેવી ચિંતાથી લાખો વૃદ્ધો મૌન સાધી દુઃખ સહન કરી રહ્યા છે.


