માત્ર ૧ ટકા વેતનવૃદ્ધિની ઓફરથી NHS નર્સીસમાં ફેલાયેલો ઉગ્ર રોષ

Wednesday 10th March 2021 06:55 EST
 
 

લંડનઃ યુકે સરકારે દેશની નર્સીસ માટે ૧ ટકાના વેતનવધારાની કરેલી ભલામણથી ભારે રોષ સર્જાયો છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે દેશને ૧ ટકાથી વધુ પગારવધારો પોસાય તેમ નથી. નર્સીસ લીડર્સે હડતાળનું શસ્ત્ર ઉગામવાની તૈયારી પણ કરી લીધી છે. હેલ્થ સેક્રેટરીએ મહામારી દરમિયાન હેલ્થ સ્ટાફના કાર્યની કદર તરીકે એક વખતની વિશૈષ ચૂકવણીના વિચારને પણ ફગાવી દીધો હતો.

ધ રોયલ કોલેજ ઓફ નર્સીસ (RCN) દ્વારા ૧ ટકાના વેતનવધારાની સરકારની દરખાસ્તને દયાજનક ગણાવી આગામી હડતાળ માટે ભૂમિકા તૈયાર કરી છે. યુકેમાં નર્સીસનું સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતા યુનિયને સંભવિત વોકઆઉટના ગાળામાં નોકરીઓ ગુમાવનારા સભ્યોને ટેકો કરવા ૩૫ મિલિયન પાઉન્ડનું ઈન્ડસ્ટ્રીઅલ એક્શન ફંડ સ્થાપ્યાને સમર્થન આપ્યું છે. RCNના જનરલ સેક્રેટરી ડેમ ડોના કિન્નેરે જણાવ્યું હતું કે એક ટકાના પગારવધારાથી અનુભવી નર્સને ઘેર લઈ જવાના વેતનમાં સપ્તાહમાં માત્ર ૩.૫૦ પાઉન્ડ વધશે.

સરકારે પગારવધારાની દરખાસ્તા સામે વધી રહેલા વિરોધને ફગાવી દેતાં કહ્યું છે કે મોટા ભાગના પબ્લિક સેક્ટરમાં પગારવધારો સ્થગિત કરાયેલો છે. સરકારે જણાવ્યું હતું કે ટ્રેડ યુનિયન્સ સાથે વેતનની સમજૂતીઓથી એક મિલિયનથી વધુ NHS સ્ટાફને લાભ મળતો જ રહ્યો છે. નવી ક્વોલિફાઈડ નર્સીસને ૧૨ ટકાથી વધુ પગારવધારો આપેલો છે અને નર્સને સરેરાશ વાર્ષિક ૪૩,૦૦૦ પાઉન્ડનો પગાર મળે છે. સરકાર જુનિયર ડોક્ટર્સનો પગાર પણ ૮.૨ ટકા જેટલો વધારશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter