લંડનઃ ભારતમાં ભલે પાડોશીઓ એક પરિવારની માફક રહેતા હોય અને ‘પહેલો સગો પાડોશી’ ગણાતો હોય, પણ આ દેશની વાત અલગ છે. ઈસ્ટ હામમાં રહેતા બે પાડોશી - અલી અને કોન્ટેસ્ટાઈન પરિવાર માત્ર ત્રણ ઈંચ જગ્યા માટે કોર્ટે ચઢ્યા. આઠ વર્ષ કાનૂની જંગ ચાલ્યો. અને દરેક જંગમાં બને છે તેમ આમાં પણ એકની જીત થઇ ને બીજાની હાર. ચુકાદા અનુસાર હવે પરાજિત કોન્ટેસ્ટાઈન પરિવારના ૬૬ વર્ષીય હર્મન અને તેનાં ૫૭ વર્ષીય પત્ની ઈવેટે તેમનું સાત બેડરૂમનું છ લાખ પાઉન્ડનું મકાન ખાલી કરીને અલી પરિવારને સોંપી દેવું પડશે. હર્મન દંપતી ૩૧ વર્ષથી અહીં વસતું હતું. કોર્ટે ચુકાદામાં ફરમાવ્યું છે કે અલી પરિવારે ભોગવેલા કાનૂની ખર્ચ પેટે કોન્ટેસ્ટાઈન પરિવાર પાંચમી જાન્યુઆરી સુધીમાં તેમનું મકાન ખાલી કરીને અલીને સોંપી દે.
આ રસપ્રદ કિસ્સાની વિગત એવી છે કે સરદાર અલી અને કોન્ટેસ્ટાઈન પરિવારના મકાનો વચ્ચે ત્રણ - ત્રણ ઈંચની કોમન વોલ હતી, પરંતુ ૨૦૦૯માં હર્મન અને ઈવેટ કોન્ટેસ્ટાઈન રજાઓ ગાળવાં ગયાં ત્યારે અલી પરિવારે પોતાના ગાર્ડન માટે થોડી જગ્યા વધુ મળે તે માટે પોતાના તરફની ત્રણ ઈંચની દીવાલ તોડી નાખી હતી. આથી નારાજ કોન્ટેસ્ટાઈને તેમની વિરુદ્ધ ટ્રેસપાસિંગનો કેસ દાખલ કર્યો.
સમગ્ર મામલો ૨૦૧૨માં સિવિલ કોર્ટ્સમાં આવ્યો હતો. ટ્રાયલના સમયગાળા દરમિયાન બંને પરિવારોને એકબીજા માટે એટલી શંકા-કુશંકા થવા લાગી હતી કે તેમણે એકબીજાની હરકતો પર નજર રાખવા માટે ઘરની ચારેબાજુ સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા, જેથી સામે વાળાની દરેક હિલચાલ પર નજર રાખી શકાય.
હવે આઠ વર્ષનાં લાંબાં કાનૂની યુદ્ધ પછી જજે ચુકાદો આપ્યો છે કે પોતાની તરફની દીવાલ તોડવાના સરદાર અલીના કૃત્યને ટ્રેસપાસિંગ ગણી શકાય નહિ. ગયા મે મહિનામાં આવેલા ચુકાદામાં હર્મન પરિવાર કેસ હારી જતા અલીના કાનૂની ખર્ચનો મુદ્દો સામે આવ્યો હતો. જજે આ માટે પહેલી ડિસેમ્બરે આખરી ચુકાદો જાહેર કર્યો હતો.
કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે કોન્ટેસ્ટાઈને સરદાર અલીનો કાનૂની ખર્ચ ભરપાઈ કરવા માટે પોતાનું મકાન ઓછામાં ઓછાં ૫૦૦,૦૦૦ પાઉન્ડમાં વેચીને પાંચ જાન્યુઆરી, ૨૦૧૮ સુધીમાં તે ખાલી કરી નાંખવાનું રહેશે. આનો અર્થ એમ થઈ શકે કે હર્મન કોન્ટેસ્ટાઈને નવા વર્ષમાં પોતાનું ઘર સરદાર અલીને સોંપી દેવાની ફરજ પડશે.
હર્મન અને ઈવેટ આ ઘરમાં ૩૧ વર્ષથી રહે છે અને તેમનાં ત્રણ સંતાનનો ઉછેર પણ અહીં જ થયો છે. ઈવેટ કહે છે કે, ‘અમને ઘર વેચવાનો આદેશ કરાયો છે, પણ અમારે જવું ક્યાં? અમારી પાસે નાણા પણ નથી. હવે અમારી સાથે શું થશે તેની ખબર નથી. અમે અપીલ માટે પ્રયાસ કર્યો હતો પરંતુ, અમને તેની પણ પરવાનગી અપાઈ નથી.’ હર્મન કહે છે કે, ‘હવે અમારે જવું જ પડશે... અમે પેકિંગ પણ શરૂ કરી દીધું છે. અમારી પાસે કોઈ વિકલ્પ નથી. હું ચિંતા કરીને મારી તબિયત બગાડવા માગતો નથી, પણ ક્યાં જઈશું તે મોટો પ્રશ્ન તો છે જ.’
સરદાર અલીએ આ કેસ અંગે બહુ ટૂંકો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, ‘અમારા માટે આ બહુ મુશ્કેલ સમય હતો. હું તેના વિશે વાત કરવા ઈચ્છતો નથી.’