લંડનઃ પોતાને માનવ અધિકાર કર્મશીલ ગણાવતા ૫૧ વર્ષીય ત્રાસવાદી અબ્દુલ રઉફ અલ શાયેબને પાંચ વર્ષની જેલની સજા કરાઈ છે. તે લોકોને ત્રાસવાદી કેવી રીતે થવાય તેનું માર્ગદર્શન આપતો હોવાની સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી. ૧૨ વ્યક્તિની જ્યૂરીએ પુરાવાઓ અંગે તેને દોષિત ઠરાવતો નિર્ણય આપવામાં સાત કલાક લીધાં હતાં. જજ માર્ટિન ઝૈડમેન QCએ જણાવ્યું હતું કે માનવ અધિકાર અને શાંતિની તેની વાતો તરકટી છે. શાયેબે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન સાથે ઘણી માનવ અધિકાર કોન્ફરન્સીસમાં હાજરી આપેલી છે.
શાયેબે દાવો કર્યો હતો કે તે ૧૪ વર્ષનો હતો ત્યારથી બહેરિનમાં માનવ અધિકાર કર્મશીલ તરીકે કાર્યરત છે. તેણે બહેરિનમાં માનવ અધિકારોની ચર્ચા કરવા લેબર નેતા કોર્બીન સાથે મુલાકાતો કરી હતી તેમજ પાર્લામેન્ટરી હ્યુમન રાઈટ્સ ગ્રૂપના ઉપાધ્યક્ષ લોર્ડ એરિક એવબરીના ઘરની પણ મુલાકાત લીધી હતી. જોકે, પોલીસે તેના માઈદા વેલ ઘરમાં દરોડો પાડ્યો ત્યારે તેમને બોમ્બ, મિસાઈલ્સ અને વિનાશ સંબંધિત લશ્કરી ફાઈલ્સથી ભરેલું ૧૬ જીબીની એસડી કાર્ડ તેમજ જેહાદી પરીક્ષાપત્રો મળી આવ્યા હતા. શાયેબના યુદ્ધ ગણવેશમાં ડ્રેગુનોવ સ્નીપર રાઈફલ્સ વિશે જાણકારી આપતા પાવરપોઈન્ટ ફોટોગ્રાફ્સ પણ મળ્યા હતા.
ચાર મહિના અગાઉ બગદાદથી આવતા શાયેબને લશ્કરી માહિતીની ફાઈલ્સ સાથેના મેમરી કાર્ડની સાથે ગેટવિક એરપોર્ટ પર અટકાવાયો હતો. અલ શાયેબ ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતે પેશન્ટ એડવોકેટ તરીકે કામ કરે છે. જજે કહ્યું હતું કે તારા મેમરી કાર્ડ પરની સામગ્રી વિસ્ફોટક છે, જેના દુરુપયોગથી સંખ્યાબંધ નિર્દોષ લોકોના જાન જઈ શકે છે. તત્કાળ જેલની સજા અનિવાર્ય છે.


