લંડનઃ યુરોપમાં માનવ તસ્કરીના દુષણને અટકાવવા માટે બ્રિટન, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડની પોલીસ એજન્સીઓ દ્વારા મહાકાય અભિયાન હાથ ધરાયું છે. બ્રિટનમાં નેશનલ ક્રાઇમ જન્સી દ્વારા ઓપરેશન પુંજુમ અને જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડમાં ઓપરેશન થોરેન હાથ ધરાયું છે. ગયા વર્ષે માનવ તસ્કર ગેંગ દ્વારા 10,000 લોકોને બ્રિટનમાં ઘૂસાડવાના પ્રયાસ કરાયા હતા. આ ગેંગ યુરોપમાં ઘૂસવાના પ્રયાસ કરતા વિદેશીઓ પાસેથી 2,500થી 10,000 યૂરો વસૂલાતા હતા.
ઓપરેશનમાં જોડાયેલા 900 પોલીસ અધિકારીઓ દ્વારા પડાયેલા દરોડાઓમાં 150 બોટ, 50 એન્જિન, 1200 લાઇફ જેકેટ, રોકડમાં કેટલાક હજાર યૂરો, ફાયર આર્મ્સ અને માદક દ્રવ્યો ઝડપી લવાયાં હતાં. આ ગેંગનું હેડક્વાર્ટર ઉત્તર પશ્ચિમ જર્મનીના ઓસનાબ્રુકના એક ખેતરમાં સ્થિત હતુ. પોલીસ આ સ્થળે દરોડો પાડીને 60 બોટ અને 900 લાઇફ જેકેટ જપ્ત કર્યાં હતાં. આ ગેંગમાં મુખ્યત્વે ઇરાકી કુર્દ લોકો સામેલ હોવાનું મનાય છે. તેમણે આ બધા ઇક્વિપમેન્ટ ચીનમાંથી ખરીદી તૂકી થઇ યુરોપમાં ઘૂસા઼ડ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ ઇક્વિપમેન્ટ્સ ઓસનાબ્રુક ખાતેના ફાર્મમાં રખાતા હતા. ત્યાંથી એક સાથે 3 બોટ રવાના કરાતી હતી જેથી તે કોસ્ટગાર્ડ કે અન્ય એજન્સીઓને થાપ આપી શકે. આ બોટ પણ દરિયામાં ચાલી શકે તેમ નથી. તેમના એન્જિન અત્યંત નબળા છે.
એમ માનવામાં આવે છે કે માનવ તસ્કરોએ છેલ્લા એક વર્ષમાં બ્રિટનમાં 10,000 વિદેશીઓને ઘૂસાડીને 15 મિલિયન યૂરોની કમાણી કરી લીધી છે. આ ગેંગ છેલ્લા 18 મહિનાથી સક્રિય હોવાનું મનાય છે. યૂરોપોલના અધિકારી જીન ફિલિપે લેકોફે જણાવ્યું હતું કે માનવ તસ્કરોએ બોટ, એન્જિન અને લાઇફજેકેટ મેળવવા માટે પોતાની એક ચેઇન ઊભી કરી હતી અને તેઓ સીધા મેન્યુફેક્ચરર પાસેથી આ બધો સામાન ખરીદતા હતા.
બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા અપાયેલી બાતમી બાદ આ સંયુક્ત ઓપરેશન ચલાવાયું હતું. આ દરોડાઓના કારણે આગામી સપ્તાહોમાં બ્રિટનમાં ગેરકાયદે ઘૂસણખોરીમાં ઘટાડો થઇ શકે છે. એનસીએના પ્રાદેશિક તપાસ વડા મેટ રિવર્સે જણાવ્યું હતું કે, અમે જે રીતે મોટી સંખ્યામાં બોટ કબજે કરી છે તેના પગલે ઘૂસણખોરીમાં ઘટાડો થશે.
--------------------
• 10,000 વિદેશીઓને છેલ્લા એક વર્ષમાં ઘૂસાડાયા
• 900 પોલીસ અધિકારીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન
• 150 બોટ જપ્ત
• 50 બોટ એન્જિન જપ્ત
• 1,200 લાઇફ જેકેટ જપ્ત