લંડનઃ કોરોના વાઈરસ કેસીસમાં ઉછાળો આવતા સરકારે સમગ્ર ગ્રેટર માન્ચેસ્ટર, મોટા ભાગના લેન્કેશાયર અને વેસ્ટ યોર્કશાયર સહિતના વિસ્તારોમાં ગુરુવાર રાતથી લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉનથી ૪.૫ મિલિયન લોકોને અસર થશે. જેઓ સાથે રહેતા હોય તે સિવાયના લોકો સાથે મુલાકાતો કરી શકાશે નહિ પરંતુ, લોકો પબમાં જઈ શકશે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે નવા નિયંત્રણો જાહેર કરવા સાથે કોવિડ-૧૯ના કેસમાં નવા ઉછાળા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનો ભંગ થતો હોવાને જવાબદાર ગણાવ્યું છે. લોકડાઉનની અસર હેઠળના વિસ્તારોમાં ગ્રેટર માન્ચેસ્ટર, બ્લેકબર્ન વિથ ડાર્વેન, બર્નલી, હીન્ડબર્ન, પેન્ડલે, રોઝેનડેલ, બ્રેડફોર્ડ, કાલ્ડેરડેલ અને કર્કલીઝનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ યુકેમાં કોવિડ-૧૯ના બીજા મોજાંની ચેતવણી આપી હતી.
નોર્થ બ્રિટનમાં કોરોના વાઈરસ કેસીસમાં ઉછાળો આવતા લાકો બ્રિટિશરોને નવા વાઈરસ નિયંત્રણો હેઠળ મૂકી દેવાયા છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ગુરુવારે રાત્રે ૯.૧૫ કલાકે નવા નિયંત્રણો સાથે લોકડાઉનની જાહેરાત કરી હતી. સમગ્ર ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયરના બ્લેકબર્ન વિથ ડાર્વેન, બર્નલી, હીન્ડબર્ન, પેન્ડલે, રોઝેનડેલ બરોઝ અને વેસ્ટ યોર્કશાયરના બ્રેડફોર્ડ, કાલ્ડેરડેલ અને કર્કલીઝ બરોઝના પરિવારોને અન્યો સાથે ઘરમાં મુલાકાત પર પ્રતિબંધ લગાવાયો છે. તેઓને પબ્સ અને રેસ્ટોરાંમાં પણ નહિ હળવામળવાની સલાહ અપી છે. સ્થાનિક લોકડાઉનમાં માન્ચેસ્ટર અને બ્રેડફોર્ડ શહેરો સહિત ૪.૫ મિલિયન લોકોને આવરી લેવાયા છે અને અત્યાર સુધીમાં ફરી વાર લદાયેલું સૌથી મોટું લોકડાઉન છે. આ નિયંત્રણો બાબતે વધુ ચિંતા એ સર્જાઈ છે કે ઈદ-અલ-અધા (બકરી ઈદ)ની ઉજવણીઓ શરુ થવાના ગણતરીના કલાકો પહેલા જ નવું લોકડાઉન જાહેર કરાયું છે. ઘણા લોકો તેને ક્રિસમસની પૂર્વસંધ્યાએ ક્રિસમસ રદ કરવાની જાહેરાત થાય તેની સાથે સરખાવી રહ્યા છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ગુરુવારે રાત્રે સ્થાનિક લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું હતું કે ઉત્તર ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં કેસીસની સંખ્યા જોવા મળી છે તેનાતી લોકોને સલામત રાખવા આ પગલું લેવાયું છે. આ ઉછાળા માટેના કારણોમાં પરિવારો એકબીજાને મળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવતું નથી તેનો સમાવેશ થાય છે. હવે બે પરિવારો ઘરમાં મળી શકશે નહિ કારણકે તેનાથી વાઈરસના ફેલાવાને અટકાવવામાં મદદ મળશે. યુરોપના કેટલાક પ્રદેશોમાં વાઈરસનો પ્રકોપ વધતો જણાયો છે આથી જ અમારે આ પગલાં લેવાં પડ્યાં છે.
યુરોપમાં કોરોના સંક્રમણનો નવેસરથી ફેલાવો
યુરોપમાં સ્પેન, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને ક્રોએશિયા સહિતના દેશોમાં કોરોના સંક્રમણનો નવેસરથી ફેલાવો શરુ થયો છે ત્યારે બ્રિટન પણ વાઈરસના બીજા મોજા તરફ આગળ વધી રહ્યું હોવાનો ભય સર્જાયો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ બ્રિટનમાં કોરોના વાયરસના બીજા આક્રમણની ચેતવણી આપી હતી. યુકેમાં એક મહિનાથી વધુ સમયમાં સૌથી વધુ દૈનિક સંક્રમણ થયા છે. છેલ્લે ૨૮ જૂને ૯૦૧ કેસ નોંધાયા હતા તે પછી જુલાઈમાં સૌથી વધુ ૮૪૬ નવા કેસ નોંધાયા છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા મુજબ બે અસરગ્રસ્ત જિલ્લામાં સંક્રમણનો દર રાષ્ટ્રીય સરેરાશ જેટલો ઊંચો જણાયો હતો. બ્રેડફોર્ડમાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૯૨૮ કેસ જ્યારે બ્લેકબર્ન વિથ ડાર્વેનમાં ૯૨૨ કેસ નોંધાયા હતા. ઈંગ્લેન્ડમાં સમગ્રતયા સંક્રમણ દર પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૪૬૫ કેસનો છે. જોકે, હેલ્થ સેક્રેટરીને વધુ ચિંતા સંક્રમણ દરો જે ઝડપે વધી રહ્યા છે તેના વિશે છે અને તેમણે કહ્યું હતું કે લોકો જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોની અવગણના કરી રહ્યા છે તે પણ એક કારણ છે.
લેસ્ટરમાં લોકડાઉન હળવું કરાશે
નોર્થ લોકડાઉનમાં લેસ્ટર કરતાં વધુ વિસ્તાર આવરી લેવાયો છે. લેસ્ટરમાં ૨૯ જૂને સ્થાનિક લોકડાઉન કરાયું હતું અને સોમવારથી તેને હળવું કરાશે. લેસ્ટર સિટીમાં ૩ ઓગસ્ટથી પબ્સ, કાફેઝ, બાર્સ અને રેસ્ટોરાં ખુલી જશે તેમ લેબર સાંસદ લિઝ કેન્ડાલે જાહેરાત કરી હતી. જોકે, આનંદપ્રમોદના સેન્ટર્સ, જીમ્સ અને પૂલ્સ બંધ રહેશે. લોકોને તેમના પરિવારો સાથે રજાઓ ગાળવા જવાની પરવાનગી મળશે. ગ્રેટર માન્ચેસ્ટરના લેબર મેયર એન્ડી બર્નહામે લોકોને નવા નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
કયા વિસ્તારોમાં લોકડાઉન અને વસ્તીને અસર
વિસ્તાર અને વસ્તી
ગ્રેટર માન્ચેસ્ટર (માન્ચેસ્ટર સિટી, ટ્રેફોર્ડ, સ્ટોકપોર્ટ, ઓલ્ધામ,
બરી, વિગન, બોલ્ટન, ટેમસાઈડ, રોચડેલ અને સાલ્ફોર્ડ): ૨,૮૩૫,૬૮૬
બ્લેકબર્ન વિથ ડાર્વેનઃ ૧૪૯, ૬૯૬
બર્નલીઃ ૮૮,૯૨૦
હીન્ડબર્નઃ ૮૧, ૦૪૩
પેન્ડલેઃ ૯૨,૧૧૨
રોઝેનડેલઃ ૭૧,૪૮૨
બ્રેડફોર્ડઃ ૫૩૯,૭૭૬
કાલ્ડેરડેલઃ ૨૧૧,૪૫૫
કર્કલીઝઃ ૪૩૯,૭૮૭
કુલ વસ્તીઃ ૪,૫૦૯,૯૫૭
નવું લોકડાઉનઃ શું કરી શકાય અને શું નહિ
આ નહિ કરી શકાયઃ •જેની સાથે રહેતા હો (અથવા સપોર્ટ બબલમાં હોય)તેમના સિવાયના લોકો સાથે ખાનગી ઘર કે ગાર્ડનમાં મુલાકાત • અસરગ્રસ્ત વિસ્તારમાં ન હોય તેવા લોકોના ઘર કે ગાર્ડનમાં તેમની મુલાકાત લેવી • ઘરના અંગત વ્યક્તિઓ સિવાય પબ્સ, રેસ્ટોરાં, કાફે, શોપ્સ, ધાર્મિક સ્થળો, કોમ્યુનિટી સેન્ટર્સ, લેઝર કે મનોરંજનના સ્થળો અથવા મુલાકાતીઓ માટે આકર્ષણના સ્થળો સહિત ઈનડોર જાહેર સ્થળોએ અન્ય લોકો સાથે સામાજિક મેળમિલાપ
આ કરી શકાશેઃ • તમારા ઘરની (અથવા સપોર્ટ બબલમાં હોય તેવી) વ્યક્તિઓ સાથે પબ્સ, રેસ્ટોરાં, કાફે, શોપ્સ, ધાર્મિક સ્થળો, કોમ્યુનિટી સેન્ટર્સ, લેઝર કે મનોરંજનના સ્થળો અથવા મુલાકાતીઓ માટે આકર્ષણના સ્થળોની મુલાકાત લઈ શકાશે. જોકે, અન્ય લોકો સાથે મેળમિલાપ ટાળવાનો રહેશે.