લંડનઃ ભારતના વિદેશમંત્રી જયશંકરની બ્રિટન અને આયર્લેન્ડની મુલાકાત દરમિયાન ભારતીયોને બે નવા ભારતીય કોન્સ્યુલેટની ભેટ મળી છે. ઉત્તર ઇંગ્લેન્ડમાં ભારતનો રાજદ્વારી પ્રભાવ મજબૂત બનાવવા માટે લાંબા સમયથી ભારતીય સમુદાય દ્વારા કોન્સ્યુલેટની માગ થઇ રહી હતી. જયશંકરે માન્ચેસ્ટરમાં નવા ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્દઘાટન કરી પ્રારંભ કરાવ્યો હતો. આમ હવે યુકેમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાની સંખ્યા 4 થઇ છે.
આ પ્રસંગે યુકેના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનર, ગ્રેટર માન્ચેસ્ટરના ડેપ્યુટી મેયર પોલ ડેનેટ, સ્ટોકપોર્ટના સાંસદ નવેન્દુ મિશ્રા હાજર રહ્યાં હતાં. નવી કોન્સ્યુલેટ વેપાર, સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે તેવી આશા છે. માન્ચેસ્ટરમાં નવા ભારતીય કોન્સ્યુલેટના પ્રારંભમાં ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રેયનરના યોગદાનને જયશંકરે બિરદાવ્યું હતું. આ પ્રસંગે જયશંકરે ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ભારતીય ડાયસ્પોરા અને બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી.
જયશંકરે નોર્ધન આયર્લેન્ડના બેલફાસ્ટ ખાતે પણ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે નોર્ધન આર્યલેન્ડ એસેમ્બ્લીના સ્પીકર એડવિન પૂટ્સ, લોર્ડ મેયર ઓફ બેલફાસ્ટ ફ્લેયર એન્ડરસન, કાઉન્સિલર મિકી મરે, ભારતના કોન્સુલ લોર્ડ દિલજિત રાણા હાજર રહ્યાં હતાં. નવા કોન્સ્યુલેટના કારણે નોર્ધન આયર્લેન્ડમાં ભારતની હાજરી વધુ મજબૂત થશે.


