માન્ચેસ્ટર બોમ્બરના ભાઈ હાશેમી આબેદીને ૫૫ વર્ષની લાંબી સજા

Friday 28th August 2020 13:48 EDT
 
 

લંડનઃ માન્ચેસ્ટર બોમ્બર સલમાન આબેદીના ભાઈ હાશેમી આબેદીને બ્રિટિશ ક્રિમિનલ ઈતિહાસમાં સૌથી લાંબી ૫૫ વર્ષની સજા આપવામાં આવી છે. ઓલ્ડ બેઈલી ખાતે ૨૦ ઓગસ્ટ ગુરુવારે આ સજા ફરમાવતા જસ્ટિસ જેરેમી બેકરે હાશેમીને આજીવન કેદ થઈ શકે તેવો કાયદો નહિ ઘડવા બદલ પાર્લામેન્ટની ટીકા પણ કરી હતી. સલમાન આબેદીએ મે ૨૦૧૭માં માન્ચેસ્ટર એરીના ખાતે કરેલા આત્મઘાતી હુમલામાં કોન્સર્ટ જોનારા ૨૨ના મોત થયા હતા અને ૨૬૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ નેઈલ બોમ્બ હાશેમીએ ગોઠવ્યો હતો.

હાશેમી હત્યાના ૨૨ ગુના તેમજ અન્ય ગુનાઓ માટે આજીવન સજા કરવાને લાયક હતો પરંતુ, હુમલા સમયે તેની વય ૨૧ વર્ષ કરતાં ઓછી હોવાથી તે આજીવન કેદની સજા થઈ શકી ન હતી. હવે મિનિસ્ટર્સ આજીવન કેદ માટે મર્યાદા ઘટાડી ૧૮ વર્ષની કરવા વિચારી રહ્યા છે. ઓટમમાં સજાઓ મુદ્દે વ્હાઈટ પેપરમાં તેનો સમાવેશ થઈ શકે છે. અગાઉ સૌથી લાંબી ૫૦ વર્ષની લઘુતમ સજા ડેવિડ કોપલેન્ડને અપાઈ હતી જેણે એપ્રિલ ૧૯૯૯માં સોહોમાં નેઈલ બોમ્બ વિસ્ફોટમાં  ત્રણ વ્યક્તિને મારી નાખ્યા હતા.

મૃતકોના પરિવારોના નિવેદનોના બે દિવસ પછી આરોપી આબેદીના ખાલી પિંજરા સમક્ષ જસ્ટિસ બેકરે ૫૫ વર્ષની લઘુતમ સજા વાંચી સંભળાવી હતી. જજે કહ્યું હતું કે હાશેમીને ઈલેક્ટ્રિકલ સર્કિટ્સનું જરુરી જ્ઞાન હતું. તે વિસ્ફોટક સામગ્રી સહિતના સાધનો ખરીદવામાં જવાબદાર હતો. વિસ્ફોટથી થયેલા મોત અને ઈજાઓ બદલ તે તેના ભાઈ જેટલો જ ગુનેગાર હતો.

હાશિમને બેલમાર્શ પ્રિઝનથી લવાયા પછી તેણે પોતાની કોટડી છોડવા ઈનકાર કર્યો હતો. માર્ચ મહિનામાં જ્યુરીએ હાશેમીને ગુનેગાર ઠરાવ્યો ત્યારે પણ તે હાજર રહ્યો ન હતો. તેણે ટ્રાયલના આખરી સપ્તાહમાં પોતાની કાનૂની ટીમને નકારી કાર્યવાહીમાં ભાગ નહિ લેવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter