માન્ચેસ્ટર મ્યુઝિયમમાં દક્ષિણ એશિયન સમુદાયની કાયમી ગેલેરીનો પ્રારંભ

ગેલેરીમાં દક્ષિણ એશિયાની સમૃદ્ધિ અને વૈવિધ્યતાનું પ્રદર્શન કરાયું છે

Tuesday 21st February 2023 13:55 EST
 
 

લંડન

માન્ચેસ્ટર મ્યુઝિયમનો 15 મિલિયન પાઉન્ડના ખર્ચે જિર્ણોદ્ધાર કરાયો છે. તે અંતર્ગત દક્ષિણ એશિયન સમુદાયના યુકેમાં યોગદાન અને તેમના જીવંત અનુભવોને વર્ણવતી સૌપ્રથમ ગેલેરીની સ્થાપના કરાઇ છે. મ્યુઝિયમમાં આ ગેલેરીની સ્થાપના માટે 24 વ્યક્તિઓ દ્વારા યોગદાન અપાયું છે. નુસરત એહમદે જણાવ્યું હતું કે અમે દક્ષિણ એશિયાની સમૃદ્ધતા અને વૈવિધ્યતા દર્શાવવા માગતા હતા જેથી દક્ષિણ એશિયા અંગે લોકોમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓ દૂર કરી શકાય. દક્ષિણ એશિયા ઘણા મામલાઓમાં અગ્રેસર છે તે અમે આ ગેલેરીમાં પ્રદર્શિત કર્યું છે.  

ગેલેરીમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકો દ્વારા પહેરાતા ગણવેશ અને સેનામાં ભરતી અંગેની જાહેરાતોના પોસ્ટર ઉપરાંત પોતાના પરિવારની કહાણી વર્ણવતી વસ્તુઓ કેટલાક લોકો દ્વારા આ ગેલેરી માટે આપવામાં આવી છે. ગેલેરીની સ્થાપનામાં યોગદાન આપનારામાં ક્વોન્ટમ સાયન્સના શોધક સત્યેન્દ્રનાથ બોઝના પૌત્ર ફાલ સરકાર દ્વારા બોઝ અને આઇન્સ્ટાઇન વચ્ચેના પત્રવ્યવહારને ગેલેરી માટે આપવામાં આવ્યો છે.

બીબીસી માન્ચેસ્ટરમાં પત્રકાર તલત ફારૂક અવાને પાકિસ્તાનની મુલાકાત દરમિયાન તેમના પરદાદાનો આર્મી યુનિફોર્મ મેળવ્યો હતો જે તેમણે ગેલેરીને ભેટ આપ્યો છે. તે ઉપરાંત ગેલેરીમાં હિન્દી અને ઉર્દુમાં સેનામાં ભરતીની જાહેરાતના પોસ્ટરો પણ પ્રદર્શિત કરાયાં છે. એહમદે જણાવ્યું હતું કે, અમે એ દર્શાવવા માગીએ છીએ કે દક્ષિણ એશિયનો 1960 અને 1970ના દાયકામાં બ્રિટન આવ્યાં નથી. તે પહેલાંથી દક્ષિણ એશિયનો બ્રિટિશ જીવનનો હિસ્સો રહ્યાં છે.

આ ગેલેરી તૈયાર કરવામાં 30 જેટલા કોમ્યુનિટી લીડર્સ, શિક્ષકો, કલાકારો, ઇતિહાસકારો, પત્રકારો અને સંગીતકારો દ્વારા યોગદાન અપાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter