લંડનઃ યુકેના શ્રેષ્ઠ ડોક્ટર પૈકીના એક એવા પ્રોફેસર અમિત પટેલનું સ્ટાફની અછત વેઠી રહેલી માન્ચેસ્ટર હોસ્પિટલમાં નિધન થયું હતું. દુર્ભાગ્યની વાત એ છે કે અમિત પટેલનું મોત એ બીમારીના કારણે થયું જેના તેઓ પોતે નિષ્ણાત હતા. અમિત પટેલ યુકેના પ્રથમ ડોક્ટર હતા જેઓ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, સેલ્યુલર થેરાપી અને ઇન્ટેન્સિવ કેર મેડિસિનમાં યોગ્યતા હાંસલ કરી હતી.
માન્ચેસ્ટર કોરોનર્સ કોર્ટમાં જુબાની આપતાં તેમના પત્ની ડો. શિવાની તન્નાએ જણાવ્યું હતું કે, મેં મારી દીકરીઓને કહ્યું હતું કે, તમારા પિતા મૃત્યુ પામ્યા હોય તેવું લાગે છે. તેઓ એક લાશની જેમ પડી રહ્યાં હતાં. તેમના ફેફસાંમાં 70 ટકા લોહી જમા થઇ ગયું હતું. તેઓ તદ્દન ઠંડા પડી ગયાં હતાં. તેઓ આ બીમારીમાંથી પાછા ફરશે તેવી આશા મેં મૂકી દીધી હતી.
અમિત પટેલની આ પ્રકારની સ્થિતિ કેવી રીતે થઇ તેની તપાસ વિધેનશેવ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ચાલી રહી છે. અમિત પટેલ જે બીમારીના નિષ્ણાત હતા તે જ બીમારીમાં તેઓ અકલ્પનીય સ્થિતિમાં આવી ગયાં હતાં. તેમણે તેમની કારકિર્દીમાં આ બીમારી માટે રાષ્ટ્રીય માર્ગદર્શિકા શરૂ કરી હતી અને સૌથી ગંભીર કેસો માટે નેશનલ મલ્ટી ડિસિપ્લિનરી પેનલની રચના પણ કરી હતી.
અમિત પટેલ હેમોફેગોસાઇટિક લિમ્ફ હિસ્ટિયોસાટોસિસ (એચએલએચ) નામની બીમારીથી પીડાતા હતા. આ બીમારી ભાગ્યે જ જોવા મળે છે. અમિત પટેલની પત્નીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, મારા પતિની સારવાર કરી રહેલા એક ડોક્ટરે મને કહ્યું હતું કે, તેણે એચએલએચ અંગે ક્યારેય સાંભળ્યું નથી કે વાંચ્યું નથી. હોસ્પિટલના સ્ટાફે નિષ્ણાતોની ચેતવણી છતાં તેમને ઇન્ટેન્સિવ કેરમાં સારવાર આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. મારા પતિએ મને કહ્યું હતું કે હું અહીં મરી જઇશ. તેઓ આટલો સમય પોતાને જીવંત રાખી શક્યાં કારણ કે પોતે એક ડોક્ટર હતા. હોસ્પિટલની ધરાર અવગણનાના કારણે મારા પતિનું મોત થયું હતું.


