લંડનઃ પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલના પીડિતોની આપવીતી ધ્રુજાવી દેનારી છે. તેમાં પણ ખોટી રીતે દોષી ઠેરવાયેલા સબ પોસ્ટમાસ્ટરોના સંતાનોએ ભોગવેલી વેદના હચમચાવી દે છે. સીમા મિશ્રાને પોસ્ટ ઓફિસ સાથે 75000 પાઉન્ડની છેતરપિંડીના આરોપસર પાંચ મહિના જેલમાં વીતાવવા પડ્યાં હતાં. પરંતુ તેમનો દીકરો અદી મિશ્રા તેનાથી અજાણ હતો.
પોતાના 10મા જન્મદિવસે અદી શાળામાં ગયો ત્યારે તેની ગર્ભવતી માતાએ તેને જણાવ્યું હતું કે, આપણે તારો જન્મ દિવસ પછીથી ઉજવીશું. અદીને ક્યાં ખબર હતી કે તેની માતા તે જ દિવસે જેલમાં ગઇ હતી. અદીને તો એમ જ હતું કે, તેની માતા હોસ્પિટલમાં છે. અદીને આ સત્યની જાણ આઠ વર્ષ પછી થઇ હતી. આજે અદીની ઉંમર 23 વર્ષ છે. અદી કહે છે કે મારી માતા મને આ રીતે અચાનક છોડીને ચાલી ગઇ તેના કારણે હું તેને ધિક્કારતો હતો. અદી કહે છે કે હોરાઇઝન સ્કેન્ડલના તમામ પીડિતોને વળતર ચૂકવાવું જોઇએ.
અદીની માતા સીમા વેસ્ટ બાયફ્લીટમાં વિલેજ પોસ્ટ ઓફિસ અને દુકાન ચલાવતાં હતાં. પરંતુ અદીના 10મા જન્મદિવસે બધું બદલાઇ ગયું હતું. તેના માતાપિતા તેને શાળાએ મૂકીને જતાં જતાં એમ કહેતાં ગયાં હતાં કે આપણે તારો જન્મદિવસ પછી જ્યારે એકસાથે હોઇશું ત્યારે ઉજવીશું.
અદી કહે છે કે એવું ક્યારેય થયું જ નહીં. અદીને જાણ જ નહોતી કે તેને શાળામાં મૂકીને તેના માતાપિતા કોર્ટમાં ગયાં હતાં જ્યાં સીમા મિશ્રાને 15 મહિનાની કેદની સજા અપાઇ હતી અને તેમને બ્રોન્ઝફિલ્ડ વિમેન્સ પ્રિઝનમાં મોકલી અપાયાં હતાં. અદીને એમ કહેવામાં આવ્યું હતું કે, તેની માતા ગર્ભવતી છે અને તેને એક વિશેષ પ્રકારની હોસ્પિટલમાં સારવાર માટે રખાઇ છે.
એ દિવસોને યાદ કરતાં અદી કહે છે કે દર બે કે ત્રણ સપ્તાહમાં એક વાર અડધા કલાક માટે મને મારી માતાને મળવાની પરવાનગી અપાતી હતી. પરંતુ મને તે સ્થળે મારી માતાને મળવું ગમતું નહોતું. ત્યાં કોઇ પુરુષ નહોતા અને દરેક જણને એકસમાન કપડાં પહેરાવાતાં હતાં. મને આ ઘણું વિચિત્ર લાગતું અને હું તેને ધિક્કારતો હતો.
સીમા મિશ્રા એ તમામ સબ પોસ્ટ માસ્ટરોમાં સામેલ હતાં જેમને ખોટી રીતે દોષી ઠેરવી સજા અપાઇ હતી. પરંતુ સીમા અને તેમના પતિ દેવિન્દરે તેમના પુત્ર અદી અને ભારતમાં રહેતા સીમાના માતાપિતાને આ બાબત નહીં જણાવવાનો નિર્ણય કર્યો હતો.
10 વર્ષના અદી માટે આ બધું વિચિત્ર હતું. શાળામાં જાણે કે વાતાવરણ જ બદલાઇ ગયું હતું. તેના મિત્રો હવે તેની સાથે તેમની શોપ પર આવતા નહોતા. અદી કહે છે કે મારી માતાના જેલમાં ગયા પછી મારું શાળાજીવન અસરગ્રસ્ત થયું હતું. હું મિત્રો ગુમાવી બેઠો હતો. મારા બેસ્ટ ફ્રેન્ડ પણ મને છોડીને ચાલ્યા ગયા હતા. કદાચ તેમના માતાપિતાએ મારી સાથે સંબંધ ન રાખવા કહ્યું હશે.
સાડા ચાર મહિના પછી સીમા મિશ્રાને જેલમાંથી મુક્ત કરાયા હતા અને તેમણે બીજા સંતાનને જન્મ આપ્યો હતો. સીમા અને તેમના પતિએ ફરી એકવાર પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અદી 18 વર્ષનો થયો ત્યારે સીમા અને તેમના પતિએ અદીને જણાવ્યું હતું કે તેની માતા જેલમાં હતી.
અદી કહે છે કે મને ઘણો આઘાત લાગ્યો હતો. શરૂઆતમાં તો મને એમ લાગતું કે તેઓ મારી સાથે મજાક કરી રહ્યાં છે. યુવાનીના ઉંબરે પહોંચેલા અદીને હવે સમજાવા લાગ્યું હતું કે, સ્થાનિક સમુદાય તેના પરિવાર સાથે કેવો વ્યવહાર કરતો હતો. તેની માતાને લોકો પ્રેગનન્ટ થીફ કહીને બોલાવતાં હતાં. કોઇ મારા માતાપિતા સાથે સંબંધ રાખવા માગતું નહોતું. મારી માતાના તમામ મિત્રોએ તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. મારી માતા ક્યાંય જતા કે આવતા નહોતાં. અમે ક્યારેય જન્મદિવસ ઉજવતાં નહોતાં કારણ કે કોઇ તેમાં આવવા ઇચ્છતું નહોતું.
અદી કહે છે કે સ્થાનિક લોકોએ મારા પિતાને માર પણ માર્યો હતો. તેઓ એમ માનતા હતા કે મારી માતાના અપરાધમાં મારા પિતા પણ સામેલ છે. આજે અદી ગ્રેજ્યુએટ થઇ ગયો છે. તે તેના માતાપિતાએ તે સમયે લીધેલા નિર્ણયોને સન્માન આપી રહ્યો છે. અદી કહે છે કે વિપરિત સંજોગો છતાં મારા માતાપિતાએ મને અને મારા નાના ભાઇને સામાન્ય જિંદગી આપી છે. આજે હું જે કાંઇ છું તે મારા માતાપિતાને આભારી છે. તેમણે ઘણી લાંબી કાનૂની લડાઇ લડી છે. 2021માં કોર્ટ ઓફ અપીલે સીમા મિશ્રાને નિર્દોષ જાહેર કર્યાં હતાં.


