મારા પિતા મારી પાસે ફક્ત ગ્રિટિંગ કાર્ડની જ આશા રાખે છે – રિશીનો બોરિસને ટોણો

ઓનર્સ લિસ્ટમાં પિતાનું નામ સામેલ કરનાર જ્હોન્સન પર વડાપ્રધાનનો કટાક્ષ

Tuesday 14th March 2023 14:31 EDT
 
 

લંડન

પોતાના પિતાને નાઇટહૂડ માટે નામાંકિત કરનાર બોરિસ જ્હોન્સન પર કટાક્ષ કરતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મારા પિતા તો મારી પાસે ફક્ત એક ગ્રિટિંગ કાર્ડની જ અપેક્ષા રાખી શકે છે. બોરિસ જ્હોન્સને તેમના ઓનર્સ લિસ્ટમાં પોતાના પિતાનું નામ સામેલ કર્યું હોવાના અખબારી અહેવાલો બાદ તેમની આકરી ટીકા થઇ રહી છે. જ્હોન્સનના ઓનર્સ લિસ્ટને સ્થગિત કરવું કે નહીં તે રિશી સુનાક માટે માથાનો દુઃખાવો બની શકે તેમ છે. હાઉસ ઓફ લોર્ડ્સ એપોઇન્ટમેન્ટ કમિશને પણ મહિનાઓથી આ લિસ્ટને સ્થગિત કરી રાખ્યું છે. જોકે રિશી સુનાક બોરિસ જ્હોન્સનના ઓનર્સ લિસ્ટ પર ટિપ્પણી કરવાનું ટાળતા આવ્યા છે પરંતુ તાજેતરમાં પેરિસની મુલાકાત દરમિયાન તેમણે આડકતરી રીતે સ્ટેન્લી જ્હોન્સનના નામના સમાવેશ પર કટાક્ષ કર્યો હતો.

રિશી સુનાકને સવાલ કરાયો હતો કે શું પરિવારના કોઇ સભ્યને ખિતાબ અપાવો જોઇએ અને શું તેઓ પણ વડાપ્રધાન તરીકે પોતાના પરિવારના સભ્યને નામાંકિત કરશે.. જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, ફાધર્સ ડે નિમિત્તે હું મારા પિતાને ગ્રિટિંગ કાર્ડ આપું તે જ મારી સૌથી મોટી સફળતા છે. મારી મર્યાદા આટલી જ છે. જો હું મારા પિતાને કાર્ડ દ્વારા શુભેચ્છા પાઠવું છું તો હું સારું કામ કરી રહ્યો છું. હું મારા પિતાને ઘણો પ્રેમ કરું છું. ઓનર્સ લિસ્ટ અંગે હંમેશા ટિપ્પણીઓ અને ધારણાઓ હોય છે પરંતુ હું ધારણાઓ પર ટિપ્પણી કરતો નથી. તેથી મારા માટે કોઇ ટિપ્પણી કરવી અઘરી છે. મારા પિતાને ફાધર્સ ડે નિમિત્તે એક ગ્રિટિંગ કાર્ડ મળે તે જ તેમના માટે ઘણું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter