લંડનઃ ઇસ્ટ લંડનમાં કારની ડેકીમાંથી જેની લાશ મળી આવી હતી તે હર્ષિતા બ્રેલાએ મોતના સપ્તાહો પહેલાં તેની માતાને જણાવ્યું હતું કે, મારો પતિ મારી હત્યા કરી નાખશે. 14 નવેમ્બરના રોજ ઇલફોર્ડના બ્રિસબેન રોડ પર કારમાં હર્ષિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા બાદ તેનો પતિ પંકજ લામ્બા ફરાર થઇ ગયો હતો.
હર્ષિતાની માતા સુદેશ કુમારીએ જણાવ્યું હતું કે, હર્ષિતાના મોત પહેલાં મારી તેની સાથે વાત થઇ હતી. તેણે મને કહ્યું હતું કે, મારો પતિ મારી જિંદગી નર્કસમાન બનાવી રહ્યો છે. હું તેની પાસે પાછી જવા ઇચ્છતી નથી. તે મને મારી નાખશે.
સુદેશ કુમારીએ જણાવ્યું હતું કે, મારી દીકરી સાદી સીધી હતી. તે કોઇની સાથે તકરાર કરતી નહોતી. હર્ષિતાના પરિવારનું માનવું છે કે પંકજ લામ્બા ભારત ભાગી ગયો હોવાની સંભાવના છે પરંતુ દિલ્હીમાં સત્તાવાળાઓ તેની ધરપકડ કરવાની અમારી અપીલ પર કામ કરી રહ્યાં નથી.
જોકે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે અમને પંકજ લામ્બાની ધરપકડ માટે યુકેની પોલીસ તરફથી કોઇ સત્તાવાર વિનંતી પ્રાપ્ત થઇ નથી.


