લંડનઃ સડકો પર પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર માટે પૂર્વ હોમ સેક્રેટરી ડેમ પ્રીતિ પટેલે સાંસદો પર વધી રહેલા હુમલા માટે રાજનીતિની અધોગતિને જવાબદાર ગણાવી હતી. પટેલે જણાવ્યું હતું કે, મારી સાથે સડકો પર થઇ રહેલો દુર્વ્યવહાર અસ્વીકાર્ય છે. પ્રીતિ પટેલ કહે છે કે મેં મારા આખા જીવન દરમિયાન વંશીય ભેદભાવનો સામનો કર્યો છે.
જો કોક્સ અને સર ડેવિડ એમેસની હત્યા અને સોશિયલ મીડિયા પર સાંસદોને ટ્રોલ કરવાના વધી રહેલા ચલણને પગલે પ્રીતિ પટેલે આમ જણાવ્યું હતું. પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર અંગે પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, આ અત્યંત દુઃખદ બાબત છે. હું મારી રૂટિન કામગીરી માટે જતી હોઉં ત્યારે પણ લોકો દ્વારા મારા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવે છે. જાહેર જીવન જીવવું અત્યંત મુશ્કેલ છે. હું મારા પરિવારને પણ આ પ્રકારના દુર્વ્યવહારથી બચાવવાના પ્રયાસ કરતી રહું છું. આ પ્રકારની ઘટનાઓના કારણે મારો પરિવાર પણ વિચલિત રહે છે.