મારે આ ચૂંટણી જીતવી જ છેઃ સુનાક

હું દરેક મત માટે સખત લડાઇ લડી રહ્યો છું અને છેલ્લા દિવસ સુધી લડી લેવાનો છું, કેર સ્ટાર્મરને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં જોવા ન હોય તો કન્ઝર્વેટિવ પાર્ટીને જ મત આપજોઃ વડાપ્રધાન

રુપાંજના દત્તા Tuesday 25th June 2024 15:16 EDT
 
 

  આગામી સપ્તાહ વડાપ્રધાન રિશી સુનાકની રાજકીય કારકિર્દી અને તેમની પાર્ટી માટે અત્યંત મહત્વનું છે. એક્ઝિટ પોલ્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વિજયની નહીંવત સંભાવનાઓ દેખાઇ રહી છે, વડાપ્રધાન પોતે રિચમન્ડની બેઠક પરથી પરાજિત થાય તેવી ધારણા છે. 2019માં સુનાક યોર્કશાયરની આ બેઠક 63.3 ટકા મત સાથે જીત્યા હતા. તેમના મતવિસ્તારની સરહદો બદલાઇ નથી. વિરોધાભાસી સરવે આવ્યા છતાં સુનાકને પોતાના વિજયની પ્રબળ આશા છે પરંતુ તેમને મજબૂત લડાઇ લડવી પડશે. બ્રિટનના સૌપ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન સુનાક રોજિંદા જીવનમાં હિન્દુ ધર્મનું ચુસ્ત અનુસરણ કરે છે. ધર્મ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમને વડાપ્રધાનની ભુમિકામાં માર્ગદર્શન આપે છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે પરિણામની આશા વિના ફરજ નિભાવ્યે જાવ. તેઓ માને છે કે આ સિદ્ધાંત પડકારજનક છે પરંતુ તેમને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે છે. લિઝ ટ્રસના ટૂંકા કાર્યકાળ બાદ સરકારને સ્થિર કરવાના તેમના પ્રયાસોને જનસમર્થન ન મળ્યાની હતાશા છતાં સુનાક તેમના ધર્મ પ્રત્યે પ્રતિબદ્ધ છે.

તાજેતરના સપ્તાહોમાં તેમની પાર્ટી મોટા પડકારોનો સામનો કરી રહી છે. ડી-ડે સમારોહ અધવચ્ચે છોડી જવાનો વિવાદ, બેટિંગ સ્કેન્ડલ, પાર્ટીના કાર્યકરોમાં વ્યાપેલી હતાશા છતાં વડાપ્રધાન સુનાક હજુ માથું ઊંચુ રાખીને હકારાત્મક ભવિષ્ય પર મીટ માંડી રહ્યાં છે.

22 જૂનના રોજ વડાપ્રધાને હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત વખતે એશિયન વોઇસ – ગુજરાત સમાચાર સાથે ટૂંકો વાર્તાલાપ કર્યો હતો અને પોતાના ધર્મ, ખેદ, પ્રતિબદ્ધતા અને ભવિષ્યની યોજનાઓનો ચિતાર આપ્યો હતો.

ગુજરાત સમાચારઃ તમે એશિયન સમુદાયના ઘણા માટે પ્રેરણાસમાન છો. બ્રિટનના પ્રથમ એશિયન વડાપ્રધાન બનીને તમે ડાયસ્પોરામાંના ઘણા માટે રાજકીય તકના સંભવિત દ્વાર ખુલ્લાં મૂક્યાં છે. અમે એ પણ જાણીએ છીએ કે તમે એક હિન્દુ તરીકે કર્મ અને ધર્મમાં વિશ્વાસ ધરાવો છો અને તમામ ટીકા અને નારાજગી છતાં હકારાત્મક વલણ રાખો છો. વડાપ્રધાન તરીકેના છેલ્લા 18 મહિનામાં તમે કોઇ ખેદ અનુભવ્યો છે?

રિશી સુનાકઃ હું ઇચ્છા રાખતો હતો કે કાશ અમે એનએચએસ વેઇટિંગ લિસ્ટ ઘટાડવામાં વધુ પ્રગતિ કરી શક્યાં હોત. તમે જાણો છો કે હું એનએચએસ પરિવારમાંથી આવું છું. જરૂર પડે ત્યારે એનએચએસમાં દરેકને સારવાર મળે તે સુનિશ્ચિત કરવા હું પ્રતિબદ્ધ છું અને કોરોના મહમારી પછી સ્થિતિમાં સુધારો કરવો પડકારજનક છે. અમે વધુ ભંડોળ ફાળવી રહ્યાં હતાં, અમે વધુ ડોક્ટરો અને નર્સો નિયુક્ત કર્યાં હતાં અને તેના કારણે હવે વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે યોજના પ્રમાણે આગળ વધીશું તો સારી પ્રગતિ કરી શકીશું.

ગુજરાત સમાચારઃ અમીર હોવાના કારણે તમારા પર વારંવાર પ્રહાર કરવામાં આવે છે. ઇમિગ્રન્ટ તરીકે તમે અને તમારા પરિવારે આ સ્તરે પહોંચવા આકરી મહેનત કરી છે. તમે પણ સમુદાયના લાઇમલાઇટમાં ન આવેલા સફળ લોકો જેવી સક્સેસ સ્ટોરી ધરાવો છો. તેનો અર્થ એ નથી કે એક માનવ તરીકે તમે ઓછા કરૂણાળુ છો. તમે દેશમાં તમામ અને વિશેષ કરીને નબળા લોકોને મદદનો પ્રયાસ કરો છો. તમે એક વિજેતા તરીકે પોતાને કેમ રજૂ કર્યા નથી?

રિશી સુનાકઃ લોકો મને મારા કાર્યો દ્વારા મૂલવી શકે છે અને મહામારીમાં તમે જોયું હશે કે હું લોકોને મદદ કરવા અને સુરક્ષિત રાખવા ઇચ્છતો હતો. હું એવા દેશમાં વિશ્વાસ કરું છું જ્યાં તમે સખત મહેનત કરો છો અને તમારા બાળકોને વધુ સારું જીવન પ્રદાન કરવા માંગો છો, તો તે માટે માફી માંગવા જેવી વાત નથી. મારા માતા-પિતાએ તેમના બાળકો માટે સારું જીવન પૂરું પાડવા માટે સખત મહેનત કરી, અને મને લાગે છે કે તે માટે હું તેમનો ખૂબ આભારી છું, અને ઘણા લોકો તેમના જેવા છે. તેઓ મહેનતુ છે, તેઓ મહત્વાકાંક્ષી છે અને મને લાગે છે કે આપણો દેશ આવો જ છે. હું એવી સરકાર ઈચ્છું છું જે લોકોના પોતાના માટે વધુ સારું જીવન ઘડવાની આકાંક્ષાઓને સમર્થન આપે. પછી ભલે તે તેમનું ઘર ખરીદવાનું હોય, કોઈ વ્યવસાય સ્થાપવાનો હોય અથવા તેમના બાળકોને કોઈ ચોક્કસ શાળામાં મોકલવાનાં હોય. આ બધી વસ્તુઓ મેળવવા લોકો સખત મહેનત કરી રહ્યા છે, તો તેઓને બિરદાવવા જોઈએ.  સરકારે તેમની પક્ષમાં રહીને તેમના પર શંકા કરવી જોઇએ નહીં.

ગુજરાત સમાચારઃ કોઇ રાજકીય પાર્ટી બ્રિટિશ એશિયન સમુદાયો સાથે તેમની લાગણી અને જરૂરીયાતો સમજવા વાતચીત કરતી નથી. વિવિધ થિન્ક ટેન્ક અનુસાર આ મતદારો હજુ કોને મત આપવો તે અંગે અનિર્ણિત છે. આ 5.6 મિલિયન મતદારોને કન્ઝર્વેટિવ માટે મતદાન કરવા તમે કેવી રીતે અપીલ કરશો?

રિશી સુનાકઃ હું માનુ છું કે આ ચૂંટણીમાં દરેક મતદારની એક સ્પષ્ટ પસંદગીછે. હું દરેકને અપીલ કરું છું કે તમે 4 જુલાઇએ ઊંઘતા ઝડપાશો નહીં. લેબર સરકાર તમારા અને તમારા પરિવારની સુરક્ષા માટે શું કરશે તે અંગે ગંભીરતાથી વિચારજો. આજે લોકો તેમના જીવનો સુખી બનાવવા માટે આકરી મહેનત કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષ આકરા રહ્યાં છે. હું તેમને કહેવા માગુ છું કે જો હું ફરી ચૂંટાઇ આવ્યો તો હું કરવેરામાં કાપ મૂકીશ, તેમના કામનું યોગ્ય વળતર સુનિશ્ચિત કરીશ, બિઝનેસ શરૂ કરવાનું સરળ કરીશ અને પહેલું ઘર ખરીદવાનું પણ સરળ કરીશ કારણ કે અમે સ્ટેમ્પ ડ્યુટી નાબૂદ કરવાના છીએ. અમે ચાઇલ્ડ બેનિફિટ્સનું વિસ્તરણ કરીશું અને પેન્શનરોને સુરક્ષિત બનાવીશું.

હું એક એવા સમાજની કલ્પના કરી રહ્યો છું જયાં લોકો આકરી મહેનત કરે છે, યોગ્ય કામકાજ કરે છે અને કરવેરામાં રાહત મેળવે છે. જો લેબર પાર્ટીની સરકાર આવશે તો દરેકના ટેક્સમાં વધારો થશે. કેર સ્ટાર્મર અને લેબર પાર્ટી કાઉન્સિલ ટેક્સ, ઘર, કાર, પેન્શન પરના ટેક્સ વધારી દેશે. કરવેરા વધારવાથી તમારા જીવન સરળ બનવાના નથી. જનતાએ તેમની પસંદગી પર વિચાર કરવો જોઇએ. શું તેઓ હજારો પાઉન્ડનો ટેક્સ ચૂકવી શકશે? લેબર પાર્ટી તમારી અપેક્ષાઓને સમજી શક્તી નથી.

ગુજરાત સમાચારઃ કન્ઝર્વેટિવ પાર્ટીનો આંતરિક વિખવાદ પાર્ટીના નેતા તરીકેની તમારી છાપ, વડાપ્રધાન તરીકેના તમારા કાર્યકાળ અને તમારી રાજકીય કારકિર્દી પર વિપરિત અસર કરી રહ્યો છે?

રિશી સુનાકઃ હા, કેટલાંક વર્ષ મુશ્કેલ રહ્યાં છે. હું જોઇ શકું છું કે લોકો હતાશ છે પરંતુ હું કહીશ કે લેબર પાર્ટીની તમારી પસંદગી અંગે તમારે વિચાર કરવો જોઇએ. હું 18 મહિનાથી વડાપ્રધાન પદ પર છું. હું તે પહેલાના ઇતિહાસને બદલી શક્તો નથી પરંતુ મેં છેલ્લા 18 મહિનામાં ફુગાવાના દરને 11 ટકાથી 2 ટકા પર લાવી દીધો છે. વેતન વધી રહ્યાં છે અને એનર્જી બિલ ઘટ્યાં છે. વ્યાજદરમાં પણ ટૂંકસમયમાં ઘટાડો કરાશે. મોર્ગેજના દર ઘટ્યાં છે. અમે કરવેરામાં કાપ મૂકીને દરેકનું આર્થિક ભાવિ સુરક્ષિત કરી શકીશું. મેં કહ્યું હતું કે અમે આર્થિક સ્થિરતા પાછી લાવીશું અને તે કરી બતાવ્યું છે. હવે હું કરવેરામાં કાપની વાત કરી રહ્યો છું અને જો હું ફરી ચૂંટાઇશ તો તે કરી બતાવીશ.

ગુજરાત સમાચારઃ જો કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતી ન મળે પરંતુ બહુમતીની નજીક હોય તો શું તમે રિફોર્મ જેવી પાર્ટી સાથે ગઠબંધન સરકારની રચના કરશો?

રિશી સુનાકઃ હું આ ચૂંટણી જીતવા માગુ છું. હું દરેક મત માટે સખત લડાઇ લડી રહ્યો છું અને છેલ્લા દિવસ સુધી લડી લેવાનો છું. જો તમે કન્ઝર્વેટિવ સિવાયના કોઇને પણ મત આપશો તો કેર સ્ટાર્મરને ડાઉનિંગ સ્ટ્રીટમાં સ્થાપિત કરશો. જો તમે તેમ કરશો તો તમને કરવેરામાં રાહત મળશે નહીં, તમારા પેન્શન પર તરાપ મારવામાં આવશે. આપણે આપણી સરહદો સુરક્ષિત રાખી શકીશું નહીં. આપણે આપણી સિક્યુરિટીમાં વધુ નાણા ફાળવી શકીશું નહીં. તમારા કરવેરા વધતા જ જશે અને હું તેમ થાય એવું ઇચ્છતો નથી. એટલે કન્ઝર્વેટિવને જ તમારો મત આપજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter