લંડનઃ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ વિજેતા ભારતીય લેખિકા બાનુ મુસ્તાકે પત્રકારોના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, મારે યુકેમાં રાજ્યાશ્રય માગવાની કોઇ જરૂર નથી. હું ભારતમાં સારું જીવન જીવી રહી છું અને ભારતમાં જ રહેવાની છું.
બુકર પ્રાઇઝ મેળવ્યા પછી ભારત પરત ફરેલા બાનુ મુશ્તાકને પત્રકારો દ્વારા આયોજિત ઇવેન્ટમાં સવાલ કરાયો હતો કે ભારતમાં પ્રવર્તી રહેલી અંધાધૂંધીના કારણે શું તેઓ યુકેમાં રાજ્યાશ્રયની માગ કરશે કે કેમ. જવાબમાં બાનુએ જણાવ્યું હતું કે, મારે યુકેમાં રાજ્યાશ્રય માગવાની કોઇ જરૂર નથી. હું ભારતમાં જ રહેવાની છું. તમને કોણે કહ્યું કે ભારતમાં અંધાધૂંધી પ્રવર્તી રહી છે.
બાનુએ જણાવ્યું હતું કે, એ વાતમાં કોઇ શંકા નથી કે લંડન કલ્ચરલ કેપિટલ છે. ઘણા લોકો યુકે પહોંચીને લંડનમાં સ્થાયી થયાં છે. ઘણા લેખકોએ લંડનને જ પોતાનું ઘર બનાવ્યું છે. હું યુકેમાં પુસ્તક વાંચનની સંસ્કૃતિથી ઘણી પ્રભાવિત થઇ છું.


