મારો દીકરો શોધી આપોઃ પ્રેસ્ટનથી ગૂમ વિદ્યાર્થીના માતાપિતાનું આક્રંદ

- રૂપાંજના દત્તા Wednesday 25th March 2020 03:34 EDT
 
 

ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના પ્રેસ્ટનથી ગૂમ થયેલા મૂળ ભારતના પૂણેના વિદ્યાર્થીના માતા-પિતાએ પોતાના દિકરાને શોધી કાઢવા માટે લાગણીસભર એક વીડિયો વહેતો કર્યો છે જેથી તેમનો પુત્ર જ્યાં હોય ત્યાંથી તેમનો સંપર્ક કરે અને પોતે સલામત હોવાનું જણાવે.

મૂળ ભારતના પૂણે શહેરનો ૨૩ વર્ષનો વિદ્યાર્થી સિદ્ધાર્થ મુરકુમ્બી યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ લેન્કશાયર (યુસીલેન) ખાતે અભ્યાસ કરતો હતો અને ૧૫મી માર્ચ, રવિવારથી એકાએક ગૂમ થયો છે. પરિવારમાં સિદ તરીકે ઓળખાતો આ વિદ્યાર્થી સપ્ટેમ્બર ૨૦૧૯માં એમબીએ (માર્કેટિંગ)ના અભ્યાસ માટે પ્રેસ્ટન આવ્યો હતો.

તેના પિતા શંકરે કહ્યું કે તેની સલામતને લઇને તેનો પરિવાર ચિંતિત છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે સિદ્ધાર્થ યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતો હતો અને તેના મિત્રોથી અમને જાણવા મળ્યું છે કે તે ૧૫મી માર્ચની રાત્રીથી દેખાયો નથી અને ત્યાર પછીથી તેનો મોબાઇલ ફોન પણ લાગતો નથી. તેના મિત્રો અને યુનિવર્સિટીની મદદથી ૧૬મી માર્ચે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.

ત્યારથી હું વધુ જાણકારી માટે લેન્કશાયર પોલીસવાળાઓ સાથે સતત સંપર્કમાં છું.

લગભગ એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે અને તપાસમાં કોઇ પ્રગતિ દેખાતી નથી. સિદ્ધાર્થની માતા પણ છેલ્લાં ચાર દિવસથી પથારીવશ છે અને છેલ્લાં આઠ દિવસથી પૂરતી ઉંઘ નહિ મળતા મારી તબિયત પણ ખરાબ થઇ રહી છે.

સિદ્ધાર્થની સલામતીને લઇને ખૂબ ચિંતિત છીએ. કોરોના વાઈરસને કારણે છેલ્લાં ત્રણ દિવસથી યુનિવર્સિટી કેમ્પસ લોકડાઉન છે અને વિદ્યાર્થીઓની અવરજવર પર પણ પ્રતિબંધ મુકાયો છે. કોરોના વાઇરસને કારણે મારા પુત્રની તલાશ પણ ધીમી પડી છે.

હું પોતે પણ બર્મિંગહામ કોન્સ્યુલેટનાં શ્રીમતિ હેપ્પી ગુપ્તાન (કોન્સલ, કોમ્યુનીટી અફેર્સ) સાથે સતત સંપર્કમાં છું, તેઓ પણ શોધખોળ માટે પોલીસવાળા પર દબાણ કરી રહ્યાં છે. જોકે જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ મારી હતાશા વધતી જઇ રહી છે.

આ વીડિયો અપીલમાં શંકર તથા આભા (સિદ્ધાર્થની માતા)ની સાથે સિદ્ધાર્થની મિત્ર વિભા અને તેની પાળતું બિલાડી પણ જોવા મળે છે. પોતાના સંદેશોમાં તેઓ જણાવે છે કે સિદ્ધાર્થ તું અમારા માટે ખૂબ કિંમતી છે, અમારા માટે તારાથી વધુ મહત્ત્વપૂર્ણ કંઇ નથી. બધુ સારું થઇ જશે. તું તરત અમારી પાસે પાછો આવ. સિદ્ધાર્થને એક નાનો ભાઈ પણ છે જેનું નામ સમર્થ છે અને તે ત્રણ વર્ષ નાનો છે.

બર્મિંગહામસ્થિત કોન્સ્યુસેટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ તેને શોધવા પોસ્ટર વહેંચાયા છે. જેમાં લખ્યું છે કે સિદ- તારા માતા-પિતા તરફથી સંદેશ. તારે ભૂતકાળને પાછળ રાખીને જીવનની નવી શરૂઆત કરવાની જરૂર છે. તરત માતા કે પિતાનો સંપર્ક કર. તેઓ ઉંડા આઘાતમાં છે અને તારો અવાજ સાંભળવા અધીરા બન્યા છે. તારાથી વધારે મહત્વપૂર્ણ કંઇ નથી.

રીપોર્ટમાં જણાવ્યા અનુસાર શંકરે છેલ્લે ૧૫મી માર્ચે સાંજે સાત વાગ્યે (બ્રિટિશ સમય અનુસાર) સિદ્ધાર્થ સાથે વાત કર હતી.

પ્રેસ્ટન આવ્યા પછી સિદ તેના પરિવાર સાથે હંમેશાં સંપર્કમાં રહેતો. તે દરરોજ સાંજે ૭થી ૮ વાગ્યા વચ્ચે તે માતાપિતા સાથે ફોન પર વાત કરતો હતો. યુકેમાં તેનો કોઇ પરિવાર નથી અને અન્ય કોઇ સંબંધી પણ નથી.

લેન્કશાયર પોલીસનું માનવું છે કે ગૂમ થયા અગાઉ તેણે કદાચ પ્રેસ્ટન ડોકથી પ્રવાસ કર્યો હોવો જોઇએ. તંત્રે જણાવ્યું કે તેઓ પણ સિદ્ધાર્થની સલામતને લઇને ખૂબ ચિંતિત છે અને એ સહુની તપાસ કરી રહ્યાં છે જેમણે તેને છેલ્લે જોયો હશે.

લેન્કશાયર પોલીસના પીસી ઇયાન સ્કીલાન્દરે એક નિવેદનમાં જણાવ્યું કે સિદ્ધાર્થના એકાએક ગૂમ થવાથી અમે પણ ચિંતિત છીએ અને તેને છેલ્લે જોનારાઓની પણ અમે તલાશ કર રહ્યાં છીએ જેથી તેને હેમખેમ પાછો લાવી શકાય.

હું સિદ્ધાર્થને પણ વિનંતી કરીશ કે જો તે આ અપીલ જોઇ કે સાંભળી રહ્યો હોય તો સામે આવે અને અમને સંપર્ક કરીને જણાવે કે તે સલામતી છે.

સિદ્ધાર્થનું વર્ણન ગૌરવર્ણ વાળ અને દાઢીવાળા એશિયન તરીકે કરાયો છે.

જે કોઇને તેના અંગે કોઇ જાણકારી મળે તો તેમણે ૧૦૧ પર ફોન કરીને સંદર્ભ નંબર ૧૩૬૨ ૧૫મી માર્ચનો ઉલ્લેખ કરી પોલીસને માહિતી આપી શકે છે.

યુકેમાં ભારતીયોની મદદ કરનાર સંગઠન બ્રિટિશ ઇન્ડિયન્સ વોઇસના પ્રવક્તાએ જણાવ્યું કે અમે પૂણેસ્થિત સિદ્ધાર્થના માતા પિતા સાથે સંપર્કમાં છીએ અને આવા કપરા સમયે તેમને હૈયાધારણા આપવા પ્રયાસ કરીએ છીએ. અમે પ્રેસ્ટન સ્થાનિક સત્તાવાળાઓના પણ આભારી છીએ કે તેન તલાશમાં તેમણે સહયોગ આપ્યો છે. અમે પેરેન્ટ્સ અને મિત્રોને વિનંતી કરી છે કે સિદ્ધાર્થ સલામત રીતે પાછો આવે તે માટે ભગવાન પર ભરોસો રાખે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter