લંડનઃ સ્ટાર્મર સરકારે રેલવે ભાડામાં સ્થગનાદેશ આપ્યો હોવા છતાં લંડનમાં માર્ચ 2026થી ટ્યુબના ભાડામાં 5.8 ટકા સુધીનો વધારો થશે. મેયર સાદિક ખાનના જણાવ્યા અનુસાર ઝોન 1 અને 2માં પીક ટ્યુબ ફેર 3.50 પાઉન્ડથી વધીને 3.70 પાઉન્ડ થશે. ઓફ પીક ફેર 2.90 પાઉન્ડથી વધીને 3.10 પાઉન્ડ થશે.
ઝોન 1 – 6 પીક ફેર 5.80 પાઉન્ડથી વધીને 6.15 પાઉન્ડ અને ઓફ પીક ફેર 3.80 પાઉન્ડથી વધીને 4.05 પાઉન્ડ થશે. આમ ટ્યુબના દરેક રૂટ પર ભાડામાં 5 થી 10 પેન્સનો વધારો થશે.
સાદિક ખાને જણાવ્યું હતું કે, નેશનલ રેલ ફેર ફ્રીઝની અસર ટ્રાન્સપોર્ટ ઓફ લંડનની સેવાઓ પર થશે નહીં. તેનો અર્થ એ થયો કે ટ્યુબ, એલિઝાબેથ લાઇન અને લંડન ઓવર ગ્રાઉન્ડના પ્રવાસીઓએ વધુ ભાડુ ચૂકવવું પડશે.
નેશનલ રેલ અને ટીએફએલ સર્વિસના સંયુક્ત ટ્રાવેલ કાર્ડની કિંમતમાં પણ સમાન વધારો થશે. સાદિક ખાને જણાવ્યું હતું કે, ભાડામાં ફુગાવાના આધારે વધારો આવશ્યક બની ગયો હતો.


