માર્ચ મહિનામાં શાળા-કોલેજો ખોલવા સાથે તબક્કાવાર લોકડાઉન નિયંત્રણો હળવાં

Wednesday 24th February 2021 05:07 EST
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આઠ માર્ચથી શાળા અને કોલેજો ખોલવા સાથે તબક્કાવાર લોકડાઉન નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત કરી છે. તેમણે જાહેર કરેલા ૬૦ પાનાના રોડમેપમાં ચાર તબક્કા (૮ માર્ચ અને ૨૯ માર્ચ, ૧૨ એપ્રિલ, ૧૭ મે તેમજ ૨૧ જૂન)નો સમાવેશ કરાયો છે. વડા પ્રધાનના રોડમેપ અનુસાર તમામ બિઝનેસીસ એક સાથે ખોલવામાં આવશે નહિ પરંતુ, સમીક્ષાઓના આધારે ચાર તબક્કામાં બિઝનેસીસ ખુલી શકશે. તેનો આધાર કોરોના વાઈરસની પરિસ્થિતિ અને વેક્સિનેશનનો ટાર્ગેટ જળવાઈ રહે તેના પર પણ રહેશે. વડા પ્રધાને કહ્યું હતું કે યુકેમાં ૧૭.૫ મિલિયનથી વધુ વયસ્કોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે અને જુલાઈ મહિના અંત સુધીમાં તમામને વેક્સિન આપવાનું લક્ષ્ય છે.

પ્રથમ તબક્કો- ૮ અને ૨૯ માર્ચઃ

• ૮ માર્ચથી તમામ વિદ્યાર્થીઓ શાળા અને કોલેજમાં પાછા ફરશે. આ પછી સ્કૂલ ક્લબ્સ, આઉટડોર સ્કૂલ સ્પોર્ટ ચાલુ કરી શકાશે.• સામાજિક મેળમિલાપ- ૧+૧ વ્યક્તિ જાહેર સ્થેળે મળી શકશે. અત્યાર સુધી બે વ્યક્તિ કસરત માટે જ મળી શકે છે. • કેર હોમના નિવાસીની મુલાકાત એક નિયમિત નોંધાયેલી વ્યક્તિ લઈ શકશે. • સ્ટે એટ હોમ આદેશ યથાવત રહેશે. • ૨૯ માર્ચથી છ વ્યક્તિ અથવા બે પરિવારોનો મોટા સમૂહને પ્રાઈવેટ ગાર્ડન્સ સહિત બહાર મળવાની છૂટ અપાશે. • ટેનિસ અને બાસ્કેટબોલ કોર્ટ ખોલી શકાસે તેમજ બાળકો અને વયસ્કો ઓર્ગેનાઈઝ્ડ આઉટડોર સ્પોર્ટ્સમાં ભાગ લઈ શકશે. • સ્ટે એટ હોમ આદેશને હળવો બનાવાશે પરંતુ, શક્ય હોય ત્યાં સુધી લોકોને ઘરમાં જ રહેવા જણાવાશે. • લોકોને ઘેર રહીને કામ કરવાનું ચાલુ રાખવા જણાવાશે. • કડક અપવાદો સાથે વિદેશ પ્રવાસ પ્રતિબંધિત જ રહેશે.

બીજો તબક્કો- વહેલામાં વહેલા ૧૨ એપ્રિલ

• બિનઆવશ્યક શોપ્સ, હેરડ્રેસર્સ, બ્યૂટી સલૂન્સ અને નેઈલ સલૂન્સ તેમજ લાઈબ્રેરી અને મ્યુઝિયમ જેવી જાહેર ઈમારતો પણ ૧૨ એપ્રિલથી ખોલી શકાશે.• આઉટડોર હોસ્પિટાલિટી પણ ખુલી શકશે. આથી, બિયર ગાર્ડન કે એલ ફ્રેસ્કો રેસ્ટોરાં ડાઈનિંગની મોજ લઈ શકાશે પરંતુ, રુલ ઓફ સિક્સ/બે પરિવારોનો નિયમ લાગુ રહેશે. ગણનાપાત્ર ભોજન અને રાત્રિના ૧૦ વાગ્યાથી કરફ્યૂના નિયમો રદ કરાશે. • ઝૂ અને થીમ પાર્ક જેવા અન્ય આઉટડોર આકર્ષણો પણ ખુલ્લા કરી શકાશે પરંતુ, પોતાના પરિવાર સાથે જ મુલાકાત લેનારા માટે જ હશે.• જિમ્સ અને સ્વિમિંગ પૂલ્સ પણ ફરી ખોલાશે.• અન્ય પરિવારો સાથે ઈનડોર સુવિધાઓ સહિયારી ન હોય તેવી કેમ્પસાઈટ્સ અને હોલીડે માટે ભાડે અપાતી જગ્યાઓ પણ ખોલી શકાશે.• પરિવારો સેલ્ફ-કેટરિંગ એકોમોડેશનમાં રહી શકે છે.• ફ્યુનરલ્સ માટે ૩૦ વ્યક્તિ અને વેડિંગ રિસેપ્શનમાં ૧૫ વ્યક્તિ હાજરી આપી શકશે.

ત્રીજો તબક્કો- વહેલામાં વહેલા ૧૭ મે

• આઉટડોરના નિયમો હળવા બનશે જેથી, બે પરિવાર અને રુલ ઓફ સિક્સના નિયમો લાગુ કરાશે નહિ પરંતુ, પાર્ક/ગાર્ડન્સમાં ૩૦થી વધુ લોકોના મળવા પરનું નિયંત્રણ યથાવત રહેશે. • ઈનડોર હળવામળવાની છૂટછાટ મળશે પરંતુ, રુલ ઓફ સિક્સ અથવા બે પરિવારોના મોટા સમૂહ માટેનો નિયમ લાગુ પડશે. • આ તબક્કે પબ્સ અને રેસ્ટોરામાં અંદરનો હિસ્સો તેમજ સિનેમા, બાળકોના પ્લે એરિયાઝ, હોટેલ્સ, B&B અને ઈનડોર એક્સરસાઈઝ ક્લાસ સહિત મનોરંજન સ્થળો ફરી ખોલી શકાશે.• ઈનડોર કાર્યક્રમોમાં ૧,૦૦૦ વ્યક્તિની ક્ષમતા અથવા અડધી ક્ષમતા (જે ઓછું હોય) સાથેના મોટા પરફોર્મન્સીસ અને સ્પોર્ટિંગ ઈવેન્ટ્સને પરવાનગી અપાશે તેમજ આઉટડોર ૪,૦૦૦ વ્યક્તિની ક્ષમતા અથવા અડધી ક્ષમતા સાથેના ઈવેન્ટને મંજૂરી અપાશે.• ૧૦,૦૦૦ લોકો હાજર રહી શકે તેવા ફૂટબોલ સ્ટેડિયમ જેવાં વિશાળ સ્થળોને પરવાનગી મળશે.• લગ્નો, રિસેપ્શન્સ, જાગરણ તેમજ ફ્યુનરલ્સ અને અન્ય ઉજવણીઓમાં ૩૦ વ્યક્તિને હાજર રહેવાની પરવાનગી અપાશે.

ચોથો તબક્કો- વહેલામાં વહેલા ૨૧ જૂન

• અર્થતંત્ર ખુલવા સાથે મોટા ભાગના નિયંત્રણો ઉઠાવી લેવાશે. • વેડિંગ્સ અને નાઈટ ક્લબ્સ સહિત સામાજિક સંપર્ક પરની તમામ કાનૂની મર્યાદાઓ ઉઠાવી લેવાશે.

અગાઉ, જ્હોન્સને એમ જણાવ્યું હતું કે લોકડાઉન હળવું કરતા નવા પગલાં ફરીથી કઠોર પગલાં લાદવા ન પડે તે ઈરાદાસરના રહેશે. જોકે, ૬૨ ટકા લોકોએ સર્વેમાં જણાવ્યું હતું કે જ્હોન્સને આ લોકડાઉન આખરી હશે તેમ જણાવવું ન જોઈએ. માત્ર ૨૫ ટકા લોકો નિયંત્રણો ફરી નહિ લાદવાની તેમની બાંહેધરી સાથે સંમત થયા હતા. અગાઉ, લોકડાઉન પ્રત્યે શંકાશીલ કોવિડ રિકવરી ગ્રૂપે વડા પ્રધાનને લખ્યું હતું કે ૯ ઉચ્ચ પ્રાયોરિટી ગ્રૂપ્સના લોકોનું વેક્સિનેશન કરી દેવાયા પછી પણ નિયંત્રણો ચાલુ રાખવાનું અર્થહીન બની રહેશે.

સરકારનો ત્રિપાંખિયો અભિગમ ઈસ્ટર વિકએન્ડથી ઈંગ્લેન્ડમાં કસ્ટમર્સને આઉટડોર સર્વિસ આપવા પબ્સને ખોલી દેવાનો છે. જોકે, આ સમયે પબ્સને ખોલવા ૩૭ ટકા લોકોએ જ ટેકો આપ્યો છે. ૨૯ ટકા લોકોનો મત છે કે તમામ પ્રાયોરિટી ગ્રૂપ્સને વેક્સિન ડોઝ આપી દેવાયા પછી જ પબ્સને ખોલવી જોઈએ, વધુ ૨૬ ટકાએ યુકેમાં લગભગ તમામને વેક્સિન આપી દેવાય ત્યાં સુધી બાર, પબ્સ અને રેસ્ટોરાં ખોલવા માટે રાહ જોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter